માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એક રિસોર્ટમાં જુગાર રમતાં ઝડપાયા, પોલીસે કરી ધરપકડ
નડિયાદ :
નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં તેમને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભાજપના માતર બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 18 પુરૂષો અને 7 મહિલાને પોલીસે ઝડપ્યા હતા.
પંચમહાલ એસસીબીએ દરોડા પાડ્યા હતા
મળતી વિગતો અનુસાર પંચમહાલ એલસીબીએ બાતમીના આધારે હાલોલના શિવરાજપુર સ્થિત જીમીરા રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારૂ સાથે જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં એલસીબીએ માતરના ધારાસભ્ય સહિત 18 પુરૂષો અને 7 મહિલાને ઝડપી પાડી હતી. મહિલાઓમાં 3 નેપાળી અને બાકીની સ્થાનિક છે. જ્યારે એલસીબીએ દારૂની 9 બોટલ પણ કબજે કરી છે. પોલીસે ધારાસભ્ય સહિતના ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
એક વર્ષ અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સારું ન હતું. તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લવાયા હતા. તે સમયે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુઃખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે સમયે તેમને મતદાન કેન્દ્ર પર એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા અને તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.