કોલવડા રેલવે સ્ટેશનમાં જ જુગારધામ પોલીસને માસિક ૫૦ લાખનું ભરણ !
ગાંધીનગર, રવિવાર
કોલવડા રેલવે સ્ટેશન જુગારીઓનો અડ્ડો બની ગયો છે. રેલવે સ્ટેશન બંધ છે પરંતુ અહિ મેળા જેવો માહોલ છે. બંધ ઓરડામાં ખુલ્લેઆમ બાજીઓ મંડાય છે. બહાર દારૃ પણ છુટથી મળે છે. એક હજારથી પંદરસો માણસોનો કોલાહલ છે. આ તમામ જુગારિયાઓ છે. માત્ર ગાંધીનગર જ નહી પરંતુ ગુજરાતભરમાંથી જુગારિયાઓ માટે કોલવડા રેલવે સ્ટેશન સ્વર્ગ સમાન બની ગયુ છે. અહિ ચાલતા જુગારધામ પર પોલીસની મીઠી નજર છે. પોલીસ આ વિસ્તારમાં નજર નાખતા પણ ‘ડરી‘ રહી છે. કારણકે,જુગારધામ ચલાવતા સંચાલકો પોલીસને આંગળીના ટેરવે નચાવી રહ્યા છે. આ પાછળ ‘કાવડિયા‘ કામ કરી રહ્યા છે. સુત્રોનું માનીએ તો જુગારધામના સંચલાકો પોલીસને દર માસે ૫૦ લાખથી પણ વધુનું ભરણ આપી રહ્યા છે. આટલા ભારથી પોલીસની આંખે પાટા વાગી ગયા છે. જેના કારણે જુગારધામ પર દરરોજ અનેક લોકો પાયમાલ બની રહ્યા છે.
ગામનું નાનું છોકરૃ પણ આ જુગારધામથી વાકેફ છે.સુમસામ જગ્યાએ દરરોજ ૧૦૦ થી ૧૫૦ જેટલી લક્ઝુરિયસ ગાડીઓનો થતો ખડકલો અને ત્યારબાદ મંડાતી બાજીઓમાં દરરોજ કરોડો રૃપિયાની હારજીત થાય છે. જુગારધામના સંચાલકોએ જે રીતે રેલવે અને ગાંધીનગર પોલીસને ‘કંટ્રોલ‘ કરી છે તે જોતા હપ્તાની રકમ છેક ઉપર સુધી પહોંચતી હોય તેવી પણ શક્યતા છે. છેલ્લા દોઢેક માસથી જુગારધામ ચાલી રહ્યુ છે. સામાન્ય રીતે કહેવાય છેકે, પોલીસના હાથ ખુબજ લાંબા હોય છે. પંરતુ દરરોજ અનેક પરિવારોને પાયમાલ કરતા આ જુગારધામ સુધી પોલીસના હાથ હજુસુધી પહોંચ્યા નથી અથવા ટુંકા પડી રહ્યા છે. જુગારધામ રેલવે પોલીસની પ્રીમાઇસીસમાં ચાલી રહ્યુ છે. સ્થળથી માત્ર બે કિ.મી દુર જ રેલવે પોલીસની કચેરી છે. તેમ છતા આ મામલે પોલીસ અજાણ હોવાનો ડોળ કરી રહી છે. ગાંધીનગર પોલીસ પણ રેલવે પોલીસની પ્રિમાઇસીસ હોવાના કારણે દુર રહેવાનું પસંદ કરે છે. જોકે, પોલીસ ધારે તો દરોડો પાડીને જુગારધામને બંધ કરાવી શકે છે. પરંતુ કાવડિયાનું ભારણ જ એટલું વધુ છેકે, આ મામલે પોલીસ આખઆડા કાન કરી રહી છે. જુગારધામ પર બાજી માંડીને આવેલા એક જુગારીએ નામ નહિ આપવાની શરતે જણાવ્યુકે, રેલવે સ્ટેશનની બંધ જગ્યા છે તેના ઓરડાઓમાં જ બાજી મંડાય છે એટલુ જ નહી જુગારીઓની સંખ્યા વધી જાય તો નીચે તંબુ પણ તાણવામાં આવ્યો છે. જુગારસ્થળ પાસે જાણે મેળો ભરાયો હોય તેવો માહોલ છે. મીનરલ પાણીની બોટલમાં દેશીદારૃ વેચાઇ રહ્યો છે. અંગ્રેજી દારૃની જે બ્રાંડ માંગો ત્યાં હાજર હોય છે. માત્ર જુગારિયાઓએ ડિમાન્ડ કરવાની રાહ હોય છે. ઘરે જે સવલતો ન મળે તે તમામ સવલતો જુગારધામના સંચાલકો જુગારિયાઓને પુરી પાડે છે. માત્ર ગાંધીનગર જ નહી પરંતુ અમદાવાદ, ંમહેસાણાથી માંડી ગુજરાતના ખુણેખુણેથી લોકો અહિ જુગાર રમવા આવે છે.
એક બાજી એકથી દોઢ લાખની બને છે
કોલવડા રેલવે સ્ટેશન પર ચાલતુ જુગારધામ એટલા મોટાપાયે ચાલે છેકે, અહિ એક બાજીમાં લાખો રૃપિયાની હારજીત થાય છે. એક રમતમાં પટમાં એકથી દોઢ લાખનો હારજીતનો દાવ લાગે છે. એટલેકે, અહિ મોટાપ્રમાણમાં અને મોટાપાયે જુગાર રમાય છે.