હવામાન વિભાગે વરસાદને લઇને કરી મોટી આગાહી, પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગે ખેડૂતોને થોડી રાહત આપતા સમાચાર આપ્યા છે (Weather department) જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી વાત કહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદની શરૂઆત થશે. જ્યારે હવામાન વિભાગે ગુરુવારે આગાહી વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં ચાર દિવસ પછી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 13થી 20 તારીખ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયા કિનારા ભાગો, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શકયતા અંબાલાલે વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે 13થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં ચારથી 15 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
અષાઢી બીજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચાર દિવસ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. એટલે કે ઘણા દિવસની રાહ જોયા બાદ અષાઢી બીજથી રાજ્યમાં મેધસવારી આવી રહી છે. જે પ્રમાણે અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે ત્યારે મેઘરાજાના તેમના પર અમી છાંટણા કરે તેવી શક્યતા છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુરુવારે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ એટલે કે 9મી અને 10 જુલાઈના રોજ ગુજરાતમાં વસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. તેના બે દિવસ પછી એટલે કે 11 અને 12 જુલાઈના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. જે બાદમાં 13મી તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.