કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ: પાવાગઢમાં દર્શન માટે 1 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
પાવાગઢ :
કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે પાવાગઢમાં આજે રવિવારે એક લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને લોકો માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા. આમ પાવાગઢમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા.
કોરોના ગાઇડલાઇન નિયમ અનુસરીને રાજ્યમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે પાવાગઢ મહાકાળી મંદિરમાં આજે રવિવારના રોજ એક લાખ લોકોનું ઘોડાપુર ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થયું હતું. આ સાથે માસ્ક વગર મોટી સંખ્યામાં લોકો દેખાયા હતા. રાજ્ય અને રાજ્ય બહારથી પાવાગઢ આવતા લોકો કોરોનાની ગંભીરતા ભૂલી જાણે કોરોનાને ફરીથી બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રવિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બાઈક-કારમાં યાત્રાળુઓનો મોટો ઘસારો આવી પહોંચ્યો હતો. એક સમયે રોપવે ઉડનખટોલાની ટિકિટ લેવા મોટી લાઈનો લાગી હતી. તળેટી સહિત ખાનગી વાહન પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા.