રાજયમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધો.10માં ગણિત વિષયમાં બે પ્રકારના પેપર લેવાનો નિર્ણય કરાયો
ગાંધીનગર:
રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ગણિતમાં બે પ્રકારના પેપર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને સાયન્સમાં અભ્યાસ કરવો ન હોય તેમણે ધોરણ-10 પછી ગણિત બેઝિકની પરીક્ષા આપવાની રહેશે. જ્યારે ધોરણ-10 પછી સાયન્સમાં પ્રવેશ લેવો હોય તેવા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડની પરીક્ષા આપી શકશે. આ માટે પાઠ્ય પુસ્તકો અને અભ્યાસ એક સમાન રહેશે. માત્ર પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાય તે વખતે વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી જાહેર કરવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ-10માં વિદ્યાર્થીઓને કુલ 7 વિષયનો અભ્યાસ કરવાનો હોય છે. જેમાં ત્રણ ભાષાઓ ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ફરજિયાત છે. જ્યારે સાતમા વિષય તરીકે વૈકલ્પિક વિષયો હોય છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-10 પછી સાયન્સ પ્રવાહમાં જવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ-10માં ગણિત વિષયમાં નાપાસ થવાના કારણે આગળનો અભ્યાસ કરી શકતા નથી. જેથી આવા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસની તક મળવી જોઈએ તેવું નક્કી કરાયું હતું.
રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020માં ગણિત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓના મુલ્યાંકનમાં બે વિકલ્પો આપવાની બાબત દર્શાવવામાં આવેલી છે. શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની પરીક્ષામાં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવા માટે બોર્ડ દ્વારા 2019માં સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત પર ચર્ચા વિચારણાંના અંતે સરકારે નિર્ણય લીધો છે.
શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝીક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું નક્કી કરાયું છે. જેમાં ધોરણ-10નું ગણિત વિષયનું પાઠ્ય પુસ્તક એક સરખું જ રહેશે. શાળાકક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પધ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની પરીક્ષામાં ગણિત વિષયમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ અલગ પ્રકારના પ્રશ્નપત્રો આપવામાં આવશે.
વિદ્યાર્થીએ જે તે વિકલ્પની પસંદગી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે કરવાની રહેશે. આ પ્રકારનો વિકલ્પ માત્ર ધોરણ-10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે આપવાનો રહેશે. જે વિકલ્પ આખરી ગણવામાં આવશે. ધોરણ-9માં ગણિત વિષયમાં આ પ્રકારનો વિકલ્પ આપવામાં આવશે નહીં. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ અલગ અલગ રહેશે. બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામાં આવશે. જે વિદ્યાર્થી ધોરણ-10માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ જે વિદ્યાર્થી ધોરણ-10માં ગણિત બેઝિક રાખશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
પુરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડની પરીક્ષા આપી સાયન્સમાં જઈ શકાશે
ધોરણ-10માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી પાછળથી જો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હોય તો જુલાઈ માસમાં લેવાતી પુરક પરીક્ષામાં વિદ્યાર્થીએ ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે. ઉપરાંત ધોરણ-10માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓએ પુરક પરીક્ષાના નિયમોને આધિન પુનઃ ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ આપી પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે.