ભાજપ નેતા જેન્તીભાઈ ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુશાલી પાસેથી વીડિયો ક્લીપના નામે લાખો રૂપિયા પડાવવાના કિસ્સામાં કચ્છી મહિલા સામે ફરિયાદ
અમદાવાદ
12 એપ્રિલ 2018
સોશ્યલ મીડિયાના આ સમયમાં સૌથી મોટી ચકચારી ધમકી હોય તો તે બિભિત્સ વીડિઓ ક્લિપ અને તસવીરો વાઇરલ કરવાની ચીમકી છે. આવા જ એક પ્રકરણમાં કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તીભાઈ ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુશાલીએ કરેલી પોલીસ ફરિયાદે ચકચાર સર્જી છે. જોકે આ સમગ્ર મામલે અમદાવાદ નરોડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરાઇ છે અને અમદાવાદ પોલીસ તેની તપાસ કરી રહી છે. પણ, આ મામલે ભાજપના નેતા અને કચ્છી આગેવાન જેન્તીભાઈ ભાનુશાલીનો સંપર્ક કર્યો તો તેમણે તેમના ભત્રીજા દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. પોતાના ભત્રીજા સુનિલ ભાનુશાલીને મૂળ કચ્છ ની અને હાલ વાપી રહેતી મહિલા મનીષા ગજુગીરી ગોસ્વામી અને તેની સાથે રાજકોટના ચિરાગ પટેલ અને અન્ય ચાર થી પાંચ શખ્સો એ બિભિત્સ વીડિઓ ક્લિપના નામે બ્લેકમેઇલ કરવાની ધમકી આપીને રૂપિયા પચાસ લાખ પડાવ્યા હોવાનું અને તેને અપહરણ કરી રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગવાના પ્રકરણે પોલીસ ફરિયાદ કરાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, પોલીસ તપાસ કરી ને આ પ્રકરણમાં દોષીતોને બેનકાબ કરશે એવો વિશ્વાસ જેન્તીભાઈ ભાનુશાલી એ વ્યક્ત કર્યો છે. બીજી જાણવા મળતી વિગતો પ્રમાણે મનીષા ગજુગીરી ગોસ્વામી અબડાસાના મોથાળા ગામે ભેંસ નો જેન્તીભાઇ ભાનુશાલીના ફાર્મ ની અંદર જ વર્ષોથી તબેલો ધરાવે છે, તો ૨૦૦૯ માં પાટણ માં તેની સામે પોલીસ કેસ થઈ ચૂક્યો છે.