આવતી કાલથી સામાન્ય જનતા માટે નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માટે પાસ મળી શકશે
ગાંધીનગર :
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાહિતકારી નિર્ણય લીધો છે. નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથા મંગળવાર તા.21 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે. કોવિડ-કોરોના વાયરસ સંક્રમણ સ્થિતીમાં સચિવાલયમાં મુલાકાતીઓ માટે બંધ કરાયેલી પ્રવેશ વ્યવસ્થા હળવી કરવાના અભિગમ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનહિતમાં આ નિર્ણય લીધો છે.
નવા સચિવાલય સંકુલમાં ગુજરાત વિધાનસભા, માન.મુખ્ય મંત્રીશ્રી તથા માન. મંત્રીશ્રીઓના કાર્યાલય (સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨) અન્ય પદાધિકારીશ્રીઓની કચેરી તેમજ સચિવાલયના વહીવટી વિભાગો અને અન્ય કચેરીઓ આવેલી છે. નવા સચિવાલય સંકુલમાં મુલાકાતીઓના પ્રવેશ પર કોરોના મહામારીના પગલે અત્યંત આવશ્યક ન હોય તે સિવાયના સંજોગોમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી નવા સચિવાલય સંકુલમાં સરકારી કામકાજ અર્થે આવનાર મુલાકતીઓ/નાગરીકોને પડતી હાલાકી ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા કાળજીપૂર્વકની વિચારણાને અંતે જાહેર હિતમાં નવા સચિવાલયના ગેટ.૧ અને ગેટ નં.૪ મારફતે પ્રવેશપાસ થકી સચિવાલય સંકુલમાં પ્રવેશ મેળવતાં મુલાકાતીઓ/નાગરીકોને સલામતી/તકેદારીના પગલાં અનુસરીને તા.૨૧/૦૯/૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.
નવા સચિવાલય સંકુલમાં પ્રવેશપાસ થકી પ્રવેશ મેળવતાં મુલાકાતીઓએ રાજયમાં (Covid 19) અન્વયેની પ્રવર્તમાન પરિસ્થિતિ તેમજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા આ અંતર્ગત વખતોવખત પ્રસિધ્ધ કારાયેલ માર્ગદર્શિકા/ Standard Operating Procedure (SOP) નો જાહેર હિતમાં અમલ કરવા અપીલ કરવામાં આવે છે.