ગાંધીનગર

ગાંધીનગરમાં વન વિભાગ ઘોર નિંદ્રામાં : કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે કાર્યાલય માટે લીલા છમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

ગાંધીનગર :
ગાંધીનગરમાં વન વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ચાલી રહેલી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે સેકટર ૨ માં તેના કાર્યાલય માટે લીલા છમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે છતાં પણ ગાંધીનગર જિલ્લાનું વન વિભાગ ચૂપ થઈ ને બેઠું છે. શહેરમાં ઠેરઠેર વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈજ કાર્યવાહીઓ કરવામાં ન આવતા વૃક્ષોનો વિનાશ વધી ગયો છે.
ગાંધીનગરમાં વિકાસનાં કામોને આગળ ધરી કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોને રિઝવવા નીકળેલ ભાજપ દ્વારા સેકટર-2માં ખોલવામાં આવેલા કાર્યાલય સામે નડતર રૂપ લીલા છમ વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. પોતાના અંગત સ્વાર્થ ખાતર વોર્ડ નંબર-9નાં ઉમેદવારોની હાજરીમાં જ વૃક્ષોનો સોથ વાળી દેવાતા ઉમેદવારો સામે પણ લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.
ગાંધીનગર મ્યુનિસિપલ હસ્તગત કરવાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ રસાકસી ભર્યો રહેવાનો છે. ભાજપ કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઈમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારતા જ બન્ને પાર્ટીઓ પોતાની વોટ બેંક સાચવવા મરણિયા પ્રયાસો કરવા માંડી છે. ભાજપ દ્વારા બુથ લેવલથી માઈક્રો પ્લાનિંગ કરીને વિકાસનાં સહારે મતદારોને રિઝવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ કોરોના મહામારી દરમિયાન શાસક પક્ષની નિષ્ફળતાને ઉજાગર કરીને પ્રચારમાં આગળ વધી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી શરૂઆતથી નગરની સમસ્યાઓ તરફ ધ્યાન કેંદ્રિત કરી મતદારો સાથે સીધો જ સંપર્ક કરી ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી ગાંધીનગરના રાજકારણમાં સક્રિય થતાં જ ભાજપ કોંગ્રેસ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
ગાંધીનગરમાં કોર્પોરેશન દ્વારા કરાયેલા વિકાસનાં કામોને પોતાના નામે ખપાવી ભાજપ ચૂંટણી પ્રચાર કરી મતદારોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે. એમાંય વિકાસના કામોને આગળ રાખી મત માંગવા નીકળેલા ભાજપ દ્વારા વોર્ડ નંબર-9નાં સેકટર-2માં ચૂંટણી કાર્યાલય ખોલવા માટે વિકાસને કોરાણે મૂકીને લીલા છમ વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો હતો.
ભાજપ વોર્ડ- 9નાં ચૂંટણી કાર્યાલય સામે નડતર રૂપ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પણ મીલી ભગત હોવાનું પ્રકૃતિ પ્રેમીઓ જણાવી રહ્યા છે. એકતરફ ગાંધીનગરને હરિયાળું બનાવવા કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહે પણ વૃક્ષોનું વાવેતર – જતન કરવા પર ભાર મૂક્યો છે. ત્યારે ભાજપનાં વોર્ડ – 9નાં ઉમેદવારોની ઉપસ્થિતિમાં જ લીલા છમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.
આ અંગે સેકટર-2 વસાહત મંડળના પ્રમુખ રાજેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો ચૂંટણી કાર્યાલય ખોલે એમાં કોઈ વાંધો નથી, પરંતુ ભાજપ દ્વારા વોર્ડ -9માં ચૂંટણી કાર્યાલય ખોલવા માટે આરક્ષિત વિસ્તારમાં જ વૃક્ષોનો ખુરદો બોલાવી દેવાયો છે. એકતરફ કોરોના કાળ પછી ઓક્સિજનનું મહત્વ સમજાઈ જતાં શહેરને હરિયાળું બનાવવા સૌ કોઈ વૃક્ષારોપણ કરવા લાગ્યા છે. ત્યારે ભાજપ ઉમેદવારો ની હાજરીમાં જ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા તે ગંભીર બાબત છે.
સેકટર 2/એ વસાહત મંડળનાં પ્રમુખ જે કે પરમારે કહ્યું હતું કે, એકતરફ વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભાજપ દ્વારા નડતર રૂપ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. એક વૃક્ષને વટ વૃક્ષ બનતા વર્ષો લાગી જતા હોય છે અને એક જ ઝાટકે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. અમારે ચૂંટણી પ્રચાર કે કાર્યાલય સામે કોઈ વિરોધ નથી પણ કાર્યાલય સામે નડતર રૂપ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા તે યોગ્ય બાબત નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x