રાજ્યમાં અસંખ્ય સરકારી કર્મચારીઓ દારૂ પીવે છે, લોહીના રિપોર્ટ લેવાય તો સ્પષ્ટ થશે : હાઇકોર્ટમાં પિટિશન
ગાંધીનગર :
હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્યમાં અસંખ્ય સરકારી કર્મીઓ ખાનગી સ્થળે દારૂનુ સેવન કરે છે. જો દર ત્રણ મહિને આ કર્મચારીઓના લોહીના રિપોર્ટ કે ટેસ્ટ લેવામાં આવે તો આ સમગ્ર વાત સ્પષ્ટ થશે. આ સાથે જ ખબર પડશે કે રાજ્યમાં દારૂ કેટલી સરળતાથી મળી રહ્યો છે અને દારૂબંધીનો કાયદો કંઈ રીતે અમલી બનેલો છે. સરકારી કર્મચારીઓના લોહીના ટેસ્ટ લેવા મુદ્દે સરકારી તંત્રને રજૂઆત પણ કરેલી છે. અરજદાર માત્ર એ જ સ્પષ્ટ કરવા માગે છે કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલી વામણી રીતે અમલી બનેલો છે.
સરકાર હેલ્થ પરમિટના નામે દારુબંધીમાં છૂટછાટ આપે છે. જેના નામ પર તંત્ર દ્વારા મંજૂરી આપવાના મુદ્દે ભ્રષ્ટાચાર આચરે છે. કાયદામાં મળેલી આ છૂટછાટ આપખુદ પ્રકારની છે. તંત્ર આના નામ પર દારૂનું સેવન કરનારા અને નહીં કરનારા વચ્ચે ભેદભાવ ન કરી શકે.
ગુજરાતમાં દારુબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે, ઠેરઠેર દારુ મળે છે, આ કાયદાના બિનઅસરકારક અમલના લીધે રાજ્યમાં ભ્રષ્ટાચારનુ પ્રમાણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ખરા અર્થમાં કડકાઈથી અમલ તો થતો નથી તો તેને હટાવી દેવો તે જ હિતાવહ હોવાની માગ સાથે ગુરૂવારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠમાં વધુ એક અરજી કરવામાં આવી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે અરજીને આ મુદ્દા પર થયેલી અન્ય અરજીઓ સાથે જોડી છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, અરજીમાં જે માગ છે તે વિપરીત પ્રકારની છે. તમે દારૂબંધીના કાયદાના મુદ્દે સરકારને સમર્થન કરો છો કે વિરોધ? જેના જવાબમાં અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, તેઓ સરકારને સમર્થન કરે છે. બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે, જો તેઓ સમર્થન કરે છે તો સારી વાત છે. અરજદારના વકીલની રજૂઆત હતી કે, રાજ્યમાં દારુબંધીનો કાયદો માત્ર કહેવા ખાતર જ છે, આ સંજોગોમાં તો રાજ્યમાંથી દારુબંધીનો કાયદો હટાવી લો. કાયદાના કડકના અમલના અભાવે રાજ્યમાં અસંખ્ય લોકો દારૂ વેચવાના ધંધા સાથે સંકળાયેલા છે. ખુદ પોલીસ બુટલેગરોે પાસેથી પ્રોટેક્શન મની લઈને દારુના વેચાણને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં એટલી હદે દારુ છે કે, રાજ્યના તંત્રએ થોડા વર્ષ પહેલા, રૂ. 2548 કરોડથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરેલો છે. તંત્ર જો દારૂબંધીનો કાયદો હટાવી દે તો સરકારના અનેક ખર્ચાઓ ઘટશે અને આવક વધશેે. એક સર્વે મુજબ રાજ્ય સરકાર દર મહિને અંદાજે રૂ. 200 કરોડની આવક મેળવી શકે છે. જેના આધારે લોક કલ્યાણના કાર્યો કરી શકાશે. જો કે, સત્તામાં બેઠેલા કેટલાક લોકો તેમના અંગત લાભ ખાતર આ વાતને મંજૂરી આપતા નથી.