ગુજરાત

ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી ૫૦.૨૩ કરોડની ખનિજ ચોરીનો પર્દાફાશ

ભુજ :

અંજારના મોડસ ગામે ગત ચોથી જાન્યુઆરીના રોજ મધરાત્રે દરોડો પાડીને ખાણ ખનિજ વિભાગે પકડેલી ખનિજ ચોરીનો આંકડો ૫૦ કરોડ ૨૩ લાખ ૫૯ હજા૨ ૬૪૬ રૂપિયા પર પહોંચ્યો છે. રાજ્યના ખાણ ખનિજ વિભાગના ઈતિહાસમાં ગુજરાતમાં એક જ સ્થળેથી પકડાયેલી ખનિજ ચોરીમાં સૌથી મોટી રકમની ખનિજચોરીનો આ પહેલો કેસ છે તેમ અંજારના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંઘે જણાવ્યું છે.

રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની સૂચનાથી પોલીસ મથકમાં સીધી ફરિયાદ દાખલ કરવાના બદલે કેસ અંજા૨ની જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં રજૂ કરાયો છે. જેથી કૉર્ટની સીધી દેખરેખ હેઠળ વિક્રમી ખનિજ ચોરીના પ્રકરણની તપાસ થાય. જિલ્લામાં પહેલીવાર ખાણ ખનિજ વિભાગે સીધી એફઆઈઆર દાખલ કરવાના બદલે કૉર્ટ રાહે ફરિયાદ આપી છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર ૨૦૧૯માં તત્કાલિન રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીની સૂચનાથી આર.આર. સેલે ખનિજ તંત્રને સાથે રાખીને ભુજના લાખોંદની સીમમાં દરોડો પાડી ૨૮ કરોડ ૬૧ લાખ ૮૩ હજાર રૂપિયાની ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં માધાપરના વસ્તાભાઈ મશરીભાઈ ઓડેદરા વિરુધ્ધ પધ્ધર પોલીસ મથકે વિવિધ કલમો તળે ગુનો દાખલ થયો હતો.

મોડસરના સીમ સર્વે નંબર ૨૭૯ પૈકી પડતર જમીનમાં ગેરકાયદે ખનિજ ઉત્ખનન થતું હોવાની બાતમીના પગલે પ્રણવસિંઘે તેમની ટૂકડી સાથે મધરાત્રે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી બોક્સાઈટ અને ચાયના ક્લે ભરેલાં ૬ વાહનો જપ્ત કરાયાં હતા. ખનિજ વિભાગે સ્થળ માપણી કરતાં કુલ ૪ લાખ ૯૮ હજાર ૮૨૩.૫૯ મેટ્રિક ટન બેન્ટોનાઈટ અને ૧ લાખ ૩૫ હજાર ૪૧૬ મેટ્રિક ટન ચાયના ક્લેનું ગેરકાયદે ખોદકામ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. સ્થળ પ૨થી ૨ લાખ ૨૩ હજા૨ ૯૦૯,૭૮ મેટ્રિક ટન બોક્સાઈટનો સ્ટોક મળી આવ્યો હતો.

લાંબા સમયથી ચાલતી આ ખનિજચોરી પાછળ મૂળ પોરબંદરના વતની એક ખનિજ માફિયાનું નામ ચર્ચાય છે. પરંતુ, તેની વિરુધ્ધ નામજોગ કેસ નથી કરાયો. પ્રણવ સિંઘે ખુલાસો કરતાં જણાવ્યું કે અમને પણ ખબર છે કે તે ખનિજ માફિયા કોણ છે. પરંતુ, અમારી મર્યાદા એ છે કે તેની વિરુધ્ધ કોઈ પૂરાવા નથી’ કૉર્ટ પોલીસને ફરિયાદ નોંધવા હુકમ કરે, પોલીસ વાહનોના ડ્રાઈવરો અને માલિકોની આકરી પૂછતાછ કરે ત્યારે ખરા ખેલાડીનું નામ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, જે ખનિજ માફિયાનું નામ ચર્ચાય છે તેની સ્થાનિક રાજનેતાઓથી લઈ ઉચ્ચ સ્તરે મોટી પહોંચ છે. આ આખી ખનિજ ચોરી મીડિયાથી લઈ સંબંધિતોને ગાંધીછાપ ગુલાબી કાગળોથી મેનેજ કરીને બિન્ધાસ્ત રીતે કરવામાં આવતી હતી.

૩ હિટાચી મશીન સિરિયલ નંબરN633D02361, N633D04188 અને N603D01980, ૨ ટ્રેલર GJ-12-Y 8910 અને GJ-12-BW-1820 તેમજ ૧ ડમ્પર GJ-12-BT 5867.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x