રાહુલ ગાંધી ઓપન વિચારધારા ધરાવે છે, કૉંગ્રેસની સૌથી મોટી સમસ્યા સંવાદનો અભાવ છે : શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર :
કૉંગ્રેસના નારાજ ગણાતા G-23 નેતાઓની બેઠકમાં હાજરી આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી કૉંગ્રેસને વણમાંગી સલાહ આપી હતી. પંજાબમાં પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયોને લઈ સવાલ ઉઠાવ્યા હતા. બાપુએ કહ્યું હતું કે, જૂનો દારૂ, જૂની દોસ્તી, જૂના નેતા અને જૂના ડોકટર સારા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કૉંગ્રેસમાં સંવાદનો અભાવ એ અત્યારે સૌથી મોટી સમસ્યા છે. સોનિયા ગાંધી બધાની વાતો સાંભળીને નિર્ણય લેતા હતા. રાહુલ ગાંધી વ્યકિત ખરાબ નથી. પણ જનરેશન ગેપના કારણે પ્રશ્ન છે.
વાઘેલાએ કહ્યું હતું કે, ચાલુ રેસમાં ઘોડા ન બદલાય છતાં પંજાબની ચૂંટણીના મહિનાઓ આડે રાહુલે અમરિન્દરને બદલ્યા. જૂની નેતાગીરીના અભાવના કારણે જે આટલું સારું રાજ્ય હતું, છ મહિના માટે કોઇ જૂનિયર હોય તો તેને પણ ખબર પડે કે ચાલુ રેસમાં ઘોડા બદલાય નહીં. ચાલુ રેસમાં અમરિંદરસિંહ કેપ્ટનને બદલી નાંખ્યા. પોતાની સરકાર ગુમાવી દીધી. હોમવર્ક અને સારા સલાહકારના અભાવથી થયું છે.
રાહુલ ગાંધી ઓપન વિચારધારા ધરાવે છે, જનરેશનગેપ છે. સોનિયા તબિયત સારી ન હોવા છતાં પાર્ટીને સારી રીતે સંભાળી રહ્યાં છે. અહમદ પટેલે ગાંધી પરિવારને એક આવરણ બનીને સંભાળ્યો હતો. ઓપિનિયન મેકરનો અભાવ કોંગ્રેસને ભોગવવો પડી રહ્યો છે. અહમદભાઈની જે જગ્યા હતી ત્યાં યોગ્ય વ્યક્તિ સંભાળત તો જી-23 જેવા ગ્રૂપો બન્યા ન હોત. આ વેદના વાળી વાત છે તો મને અટલજી યાદ આવે છે. સંગઠનના મુખ્ય લોકોનું બલિદાન અને અપેક્ષા હોય છે. એપ્રિશિએશન અને દુઃખમાં પીઠ પર હાથ મુકે તેની જરૂર હોય છે. અટલજીએ કવિતાની મે કહાં જાઉં કવિતા વેદના વ્યક્ત કરે છે. કાલે આ વાત ગુલાબનબી, શશિ થરુર લોકો માટે હતી. પાર્ટી હાઇ કમાન્ડ પાસેથી અપેક્ષાઓ છે. હાઇ કમાન્ડ એટલે સોનિયાજી અને રાહુલ ગાંધી. પ્રિયંકા માટે જે યોગ્ય સમયે થવું જોઇતું હતું. પ્રિયંકાને યુપીના મહામંત્રી બનાવીને રાજકારણમાં ઉતારવામાં આવ્યા હતા તે પોલિટિકલ મિસફાયર રહ્યું. દરેકની કારકિર્દી હોય છે અને કારકિર્દી બનાવવા માટે ગ્રૂમિંગ હોવું જોઇએ જેનો અભાવ રહ્યો. યુપીમાં પ્રિયંકા બધુ સંભાળતા હતા પરંતુ આ ચૂંટણીથી પ્રિયંકા પર પણ ધબ્બો લાગી ગયો. યોગ્ય સલાહકાર હોવા જોઇએ તે ન રહ્યાં. સમય સમય પર જોડવાનું કામ કરવું જોઇએ તેના બદલે તોડવાનું કામ કરવામાં આવ્યું.
ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડમંત્રી પણ બન્યા. જોકે 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતાં તેઓ જૂન 2019માં NCPમાં જોડાયા હતા, પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું.
શંકરસિંહ વાઘેલા એક વર્ષ પૂર્વે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરી કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું જ્યારે અવસાન થયું અને તેમનો દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો ત્યારે હું સ્વાભાવિકપણે ત્યાં ગયો હતો. ત્યાં ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મને ભેટીને રડી પડ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ. એ સમયે રાજકારણની કોઈ ચર્ચા કરવાનો કોઈ અવકાશ નહોતો. ત્યાર બાદ પણ અનેક કોંગ્રેસના આગેવાનોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં આવી જાઓ તો સારું. આ અનુસંધાને મારો જવાબ એક જ છે. દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સંબંધ છે. જ્યારે તે લોકો એવું કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જોઈએ, આવી વાતચીત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર ત્યાં જઈશ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને તેમની સાથે વાતચીત કરીને આગળ વધીશ. જો કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવો તો હું વિનાશરતે કોંગ્રેસમાં જઈશ.