ગાંધીનગરનું સ્માર્ટ સિટીનું સપનું રોળાયુ, સ્માર્ટ સિટીમાં ડાયનેમિક રેન્કમાં દેશમાં ૬૦મા સ્થાને આવ્યું
ગાંધીનગર :
દેશના ૧૦૦ સ્માર્ટસિટીઝમાં ડાઈનેમિક રેન્ક કેટેગરીમાં ગુજરાતના સુરતે નંબર વન પર આવીને ડંકો વગાડ્યો છે. જ્યારે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૬૦માં નંબરે આવ્યું હોવાની વિગત મળી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૨૭૦ કરોડના ૧૨ જેટલા પ્રોજેક્ટ પુર્ણ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૧૬ પ્રોજેક્ટનું કામ હાલમાં કાર્યરત છે. બે દિવસ પૂર્વે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ થયેલા ૧૦૦ શહેરોએ પૂર્ણ કરેલા પ્રોજેક્ટ, કાર્યરત પ્રોજેક્ટ તથા મળેલી ગ્રાંટનો અત્યાર સુધીમાં કરાયેલા ઉપયોગ અંગેનું ફાઈનાન્સિયલ સર્ટીફિકેટ ઉપરાંત એડવાઈઝરી ફોરમ મિટીંગ જેવા માપદંડના આધારે ડાયનેમિક રેન્કીંગ આપવામાં આવ્યું હતું. જેમાં દેશના ટોપ ટેનમાં ગુજરાતના બે શહેર સુરત અને અમદાવાદને સ્થાન મળ્યું છે. જેમાં સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ અને અમદાવાદને છઠ્ઠો રેન્ક મળ્યો છે. જ્યારે ગાંધીનગર ૬૦ માં ક્રમે પછડાયું છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, સુરત પ્રથમ, અમદાવાદ બીજા, રાજકોટ ત્રીજા, દાહોદ ચોથા, વડોદરા પાંચમા ક્રમે છે. જ્યારે ગાંધીનગર છઠ્ઠા સ્થાને છે. ડાયનેમિક રેન્ક કેટેગરીમાં ગાંધીનગર પાછળ રહી ગયું છે. જે માટે એવું કારણ બતાવાય રહ્યું છે. કે, ગાંધીનગરમાં રોડના કામ બાકી છે. તેમાં પણ ખાસ કરીને ૨૪ કલાક પાણી અને ગટર આ બે ખૂબજ મહત્વના લાંબાગાળાના પ્રોજેક્ટ નાં કામો કાર્યરત છે. આ કારણોસર ગાંધીનગર પાછળ રહી ગયું છે.