ગાંધીનગર: પડતર માગણીઓને લઈને માજી સૈનિકોની વિધાનસભા તરફ કૂચ, પોલીસે રસ્તા કોર્ડન કર્યા
રાજ્ય સરકાર સામે 14 પડતર માંગણીઓના વિરોધમાં ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકોએ સવારથી ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી છે. પોલીસ આગળ વધે તે પહેલા આજે પૂર્વ સૈનિકોની ફોજ ચિલોડા આર્મી કેમ્પ ખાતે ઉતરી હતી અને ગાંધીનગર તરફ કૂચ કરી હતી.માજી સૈનિકો દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર ચિલોડામાં મોટી સંખ્યામાં માજી સૈનિકો હાથમાં ત્રિરંગો લઈને ઉમટી પડ્યા છે. અગાઉ રાજ્ય સરકારે પૂર્વ સૈનિકોની 5 માંગણીઓ સ્વીકારી હતી. જો કે, હજુ પણ બાકી માંગણીઓનો કોઈ સકારાત્મક ઉકેલ ન આવતાં માજી સૈનિકોએ ફરી એકવાર સરકાર સામે જંગ છેડ્યો છે, જેમાં શહીદ જવાનોના પરિવારજનો પણ આંદોલનમાં જોડાયા છે.પરિસ્થિતિ વધુ તંગ બનતી બચાવવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા નારા લગાવ્યા હતા. માજી સૈનિકોએ માંગ કરી છે કે તમામ પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે અને જીઆર કરવામાં આવે. આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, પડતર માંગણીઓને લઈને માજી સૈનિકો આર્મી કેમ્પમાં એકઠા થયા છે. હજુ સુધી કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં કલેક્ટરે કલમ 144 લાગુ કરી છે. જેના કારણે માજી સૈનિકોને આગળ જતા અટકાવવામાં આવ્યા છે.