લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, શંકરસિંહ વાઘેલા અને એહમદ પટેલ વચ્ચે થઇ ખાસ બેઠક..?
સુરત:
આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા એહમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગુપ્ત બેઠકની ચર્ચાઓ ચાલી રહી છે. ભરૂચથી 30 કિલોમીટર દુર આવેલા પિરામણ ફાર્મ હાઉસમાં બન્ને નેતાઓની એક બેઠક થઈ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
મહત્વનું છે કે, ભરૂચમાં મુસ્લીમ અગ્રણીના બેસણામાં બન્ને નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બન્ને નેતાઓ બેઠક કરી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. શંકરસિંહ અને એહમદ પટેલની બેઠક બાદ અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. હાલમાં કોંગ્રેસ દ્વારા એહમદ પટેલને નવી કોર કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ અને અહેમદ પટેલની મહત્વની બેઠક ગણાવી શકાય છે.
આપને જણાવી દઇએ કે, એક સમયના ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ સાથે છેડો ફાડ્યો છે ત્યારબાદ પ્રથમવાર આ રીતે એહમદ પટેલ સાથે ગુપ્ત રીતે બેઠક કરી હોવાની ચર્ચાએ જોર પકડતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામેલ.
એક તરફ લોકસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે શંકરસિંહ વાઘેલા અને એહમદ પટેલ એક સાથે આ રીતે જોવા મળતા રાજકીય નિષ્ણાંતોને પણ વિચારતા કરી દીધા હતા. જો કે, આ મામલે શંકરસિંહ વાઘેલા કે એહમદ પટેલે કોઇ પ્રતિક્રિયા આપેલ નથી ત્યારે આ બેઠકનો હેતુ શું હશે તે તો આવનારો સમય જ જણાવશે.