ગુજરાત

હાર્દિકના ઉપવાસથી માથામાં દુઃખાવો ? વિજય રુપાણી અને નીતિન પટેલને દિલ્હીનું તેડું.

ગાંધીનગર:
ગુજરાતમાં ત્રણ વર્ષ પછી ફરી શરૂ કરાયેલા પાટીદાર અનામત તેમજ ખેડૂતોના દેવા માફી અંગે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલનથી ભાજપ સરકાર ડરી ગઈ છે. ત્યારે પાંચ દિવસ પહેલા જ વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવીને ગયા હોવા છતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. અમદવાદમાં ત્રણ દિવસથી શરૂ કરાયેલા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના અનુસંધાનમાં લોકસભાની ચુંટણી પહેલા કઇક કાચું કપાઈ જાય નહીં તે માટે રાજ્ય સરકારનું આયોજન જાણવા સાથે માર્ગદર્શન માટે તેમને બોલાવવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર આંદોલનના નામે રાજકીય ગરમાવો પેદા થયો છે. જેમાં રાજ્ય સરકાર અભેદ સુરક્ષા કવચ સાથે અમદાવાદમાં ત્રણ દિવસથી આમરણાત ઉપવાસ આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલના આંદોલનને કચડી નાખવા પ્રયાસ કરી રહી છે. તો કોંગ્રેસના ધારાસભ્યોના સમર્થન સાથે ચાલતા આંદોલનમાં પાસ કે પાટીદાર લોકોને દુર રાખવા ઠેર ઠેર અટકાયત કરી બહેનોને પણ રાખડી બાંધવાથી અટકાવતા માનવ અધિકાર પંચને ફરિયાદ કરવામાં આવી છે. આ સંજોગોમાં આજે સોમવારે સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરનાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દિલ્હીનું તેડૂં આવ્યું છે.

ગઈ ૨૩ ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. તેમાં સુરત એરપોર્ટ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્વારા પીએમને ગુલાબ આપતી વખતે સીએમ સહિતના ચહેરાથી સર્જાયેલું દ્રશ્ય આજે પણ ચર્ચાની એરણ પર છે.

આ પછી રક્ષાબંધન ઉજવવા અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના કોઈ નેતાને મળ્યા નહોતા. ત્યારે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનથી સર્જાયેલી રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરવા માટે દિલ્હી બોલાવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *