અમરેલી, બાબરા અને સાવરકુંડલા તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
અમરેલી
રાજય ચૂંટણી આયોગ-ગાંધીનગર દ્વારા અમરેલી તાલુકા પંચાયતના મોટા આંકડીયા, નાના આંકડીયા, ગાવડકા, જસવંતગઢ, પ્રતાપપરા, વડેરા તેમજ બાબરા તાલુકા પંચાયતના ઉંટવડ, સાવરકુંડલા તાલુકા પંચાયતના ધાંણલા મતદાર મંડળની પેટા ચૂંટણીનો કાર્યક્રમ તા.૧૦ સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ જાહેર થયેલ છે આથી આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા અમલી બની છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૧૭ સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ ચૂંટણીનો નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવશે. તા.૨૨ સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે. તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. તા.૨૫ સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. તા.૭ ઓકટોબર-૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે. પુનઃમતદાન યોજવાનું થાય તો તા.૮ ઓકટોબર-૨૦૧૮ના રોજ યોજવામાં આવશે. તા.૯ ઓકટોબર-૨૦૧૮ના રોજ મતગણતરી કરવામાં આવશે.
સંબંધિત આદેશો ચૂંટણી પંચની વેબસાઇટ sec.gujarat.gov.in પર મૂકવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી હેઠળ તા.૧૦ સપ્ટે.-૨૦૧૮ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત-દેવા બાબતનું સોગંદનામુ ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ રજૂ કરવાનું રહેશે.
મતદાન સમયે મતદારે, ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ EPIC રજૂ કરવાનું રહેશે. પરંતુ વ્યાજબી કારણોસર રજૂ કરી શકે તેમ ન હોય તો સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોગ દ્વારા નિયત કરવામાં આવેલ જુદાં-જુદાં ફોટોવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજૂ કરી શકશે. લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવામાં આવે તે માટે રાષ્ટ્રીય-સંવૈધાનિક કામમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.
કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચૂંટણી EVM દ્વારા કરવામાં આવશે. NOTAનો અમલ પણ કરવામાં આવશે.
રાજય ચૂંટણી આયોગ કાર્યાલયમાં કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના ટેલિફોન નં. (૦૭૯) ૨૩૨૫૨૦૭૨, ૨૩૨૫૨૦૭૩, ૨૩૨૫૮૭૦૬ ફેક્સ નં. (૦૭૯) ૨૩૨૫૨૩૦૭, ૨૩૨૫૨૮૮૫, ૨૩૨૫૮૭૦૫ છે. આ ઉપરાંત ઇ-મેઇલ sec-sec@gujarat.gov.in છે.
રાજય ચૂંટણી આયોગ-ગાંધીનગરના સચિવશ્રી મહેશ જોષી અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોરના આદેશ મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણી કામગીરી સંબંધિત અધિકારી-કર્મચારીઓને આચારસંહિતા સંબંધિત નિયમો-જોગવાઇઓ લાગુ પડશે.