ભાગેડુ માલ્યા-જેટલી વચ્ચે 15-20 મિનિટ થઈ હતી મુલાકાત, સંસદના CCTVની થવી જોઈએ તપાસઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ
બુધવારે લિકર કિંગ વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેમણે ભારત છોડતાં પહેલા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, નાણામંત્રી એક ભાગેડુ સાથે વાત કરતા હોય તેને લઈ અનેક સવાલો ઉઠે છે. ભાગેડુ તેમને દેશ છોડવાનો છે તેમ જણાવતો હોવા છતાં નાણામંત્રીએ પોલીસ કે સીબીઆઈને જાણ કરી નહોતી. જે બાદ લુકઆઉટ નોટિસમાં આપવામાં પણ ઢીલ દાખવવામાં આવી. જેટલીએ સાચું બોલવું જોઈએ કે આ માટે તેઓ જવાબદાર છે કે તેમને ઉપરથી ઓર્ડર હતો. નાણામંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે, બજેટ રજૂ થવાના આગાલા દિવસે 1 માર્ચના રોજ અરૂણ જેટલી અને વિજય માલ્યાને વાત કરતાં મેં જોયા હતા. તેમણે આશરે 15-20 મિનિટ સુધી વાત કરી હતી. પહેલા બંને ઉભા રહીને વાત કરતા હતા અને તે પછી સેન્ટ્રલ હોલમાં જઈને વાત કરવા લાગ્યા. અમારી પાસે આ અગેના પુરાવા પણ છે. બે દિવસ પછી મેં વાંચ્યું કે માલ્યા ફરાર થઈ ગયા છે. આ વાંચીને હું હેરાન થઈ ગયો હતો. સંસદના સીસીટીવી ચેક કરવામાં આવે તો બધી સચ્ચાઈ સામે આવી જશે.