અંતરિયાળ વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટર ખોલવા જોઇએ : સરીતા
ગાંધીનગર
એશિયાડ ગેમ્સમાં 400*4 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર આદિવાસી સમાજની દિકરી સરીતા ગાયકવાડનુ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ઉજવણી સમિતિ દ્વારા સન્માન કરાયુ હતુ. અંતરિયાળ વિસ્તારમાં રહેતી સરીતાનો પરિવાર કાચા મકાનમાં રહે છે. ત્યારે મન હોય તો માળવે જવાય ઉક્તિને સાચી ઠેરવતા દેશ માટે ગોલ્ડ મેડળ મેળવ્યો છે.
આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર ટાઉનહોલમાં સરીતાનુ સન્માન કરાયુ હતુ. ડાંગ એક્સપ્રેસે કહ્યુ કે, અંતરીયાળ વિસ્તારોમાં ખેલ માટેના ટ્રેનીંગ સેન્ટરોનુ જરૂરીયાત છે.
એશિયાડમાં 12માં દિવસે ગુજરાતના ડાંગ જિલ્લાની સરીતા ગાયકવાડે 4*400 રીલે દોડમાં બુલેટ ગતિએ દોડીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સરકારે સરીતાને એક કરોડનુ રોકડ ઇનામ, સ્થાનિક ધારાસભ્યએ એક મહિનાનો પગાર ખુશીમાં આપ્યો હતો. સરીતા ગાયકવાડ આદિવાસી સમાજમાંથી આવતી હોવાના કારણે ગુરૂવારે ગાંધીનગર ટાઉનહોલમાં સરીતાને વિશ્વ આદિવાસી સમાજ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઇઓ, બહેનો અને આગેવાનો હાજર રહ્યા હતા.
ડાંગ એક્સપ્રેસ સરીતા ગાયકવાડે કહ્યુ કે એશિયાડ રમત બાદ મારૂ સંપૂર્ણ ધ્યાન હવે ઓલોમ્પિક ઉપર લગાવ્યુ છે. દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવોએ મારૂ સ્વપ્ન હતુ. પરંતુ હવે દેશવાસીઓની મારા તરફ આશા વધી ગઇ છે. ઓલોમ્પિકમાં પણ સારૂ પ્રદર્શન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાત સહિત દેશના અંતરિયાળ વિસ્તારમાં મોટા ટ્રેનીંગ સેન્ટર શરૂ કરવામાં આવે તો વધારે પ્રતિભાશાળી ખેલાડીઓ દેશને મળી શકે છે અને તેમની શક્તિઓ બહાર આવી શકે છે.