રન ફોર રિયો: ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આયોજિત થયેલી દોડને PM મોદીએ લીલી ઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આયોજિત કરાયેલી રન ફોર રિયો દોડને આજે લીલી ઝંડી આપી. નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં મોદીએ લીલી ઝંડી આપીને આ દોડની શરૂઆત કરી હતી. આ દોડમાં શાળાના 20000 બાળકો ભાગ લઈ રહ્યાં છે. આ અવસરે પીએમ મોદીએ રિયોમાં ગયેલા 119 ભારતીય ખેલાડીઓને શુભકામના આપી અને યુવાઓને 2020ના ટોકિયો ઓલિમ્પિક માટે તૈયારીઓ શરૂ કરી દેવાનું આહ્વાન પણ કર્યુ હતું.
મોદીએ કરી મિશન 2020ની વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોડને લીલી ઝંડી આપતા પહેલા ખેલાડીઓનું મનોબળ વધે તેવી સ્પીચ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે દેશમાંથી 119 ખેલાડીઓએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો છે પરંતુ આગામી વખતે 2020ના ટોકિયો ઓલિમ્પિકમાં આપણે 200 ખેલાડીઓને મોકલવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે કહ્યું કે દેશના 600થી વધુ જિલ્લાઓએ પોતાના ત્યાંથી એક ખેલાડીને ઓલિમ્પિક ખેલોમાં મોકલવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જે રમતોમાં ભારતની કોઈ ઓળખ નથી તેમાં પણ આપણું પ્રતિનિધિત્વ હોય તેવી તૈયારીઓ આપણે કરવી જોઈએ.