સાબરકાંઠા લોકસભા-વિધાનસભાની 31 ચૂંટણીમાં માત્ર ત્રણ મહિલાઓને તક મળી
ભાજપના રમીલાબેન 2002, 2007 અને 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા
સાબરકાંઠા જિલ્લામાં દેશ આઝાદ થયા પછી લોકસભા અને વિધાનસભાની 31 ચૂંટણીઓ યોજાઇ છે. છતાં મુખ્ય બે રાજકીય પક્ષોએ 62 ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા તે પૈકી ત્રણ મહિલાને લોકસભા વિધાનસભા ચૂંટણીમાં માત્ર 9 વખત પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર જીતવાની સરેરાશ 87.5 % બની રહી છે તેમ છતાં રાજકીય પક્ષો અગમ્ય કારણોસર મહિલા દાવેદાર-ઉમેદવારોની પસંદગી કરવા મામલે કિનારો કરી રહ્યા છે. વર્તમાન ચૂંટણીમાં સાબરકાંઠામાં ભાજપ-કોંગ્રેસે એકેય મહિલાને ટિકિટ આપી નથી.
1996 થી 1999 ત્રણેય ચૂંટણીમાં નિશાબેન ચૌધરીએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી
1961-62માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાતમાં વિધાનસભાની 2022 ચાલુ ચૂંટણી સાથે કુલ 14 ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં એક માત્ર ભાજપે મહિલા ઉમેદવારને તક આપી છે અને એ પણ આદિવાસી અનામત ખેડબ્રહ્મા બેઠક પર ભાજપના રમીલાબેન બારા વર્ષ 2002, 2007 અને 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા તથા વર્ષ 2004 માં લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા ત્યારબાદ ખેડબ્રહ્મા બેઠક પર પેટા ચૂંટણી લડી 2007 સુધી ધારાસભ્ય પણ રહ્યા હતા. ભાજપે તેમને પાંચ વખત મહિલા ઉમેદવાર તરીકે તક આપી હતી.
ભારત દેશ આઝાદ થયા પછી 1951-52 થી અત્યાર સુધીમાં લોકસભાની 17 ચૂંટણીઓ યોજાઈ છે જેમાં 1972 થી 80 માં નવનિર્માણ આંદોલન, કટોકટીને પગલે આઠ વર્ષ દરમિયાન ત્રણ વખત અને 13 મહિના, 13 દિવસની ભાજપ સંયુક્ત મોરચા સરકારના સમયે 1996 થી 1999 દરમિયાન ત્રણ વખત ચૂંટણીઓ યોજાઈ હતી. 1972-73 માં સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન પટેલ નેશનલ કોંગ્રેસ(ઓ)માંથી સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી લોકસભામાં પહોંચ્યા હતા.
જ્યારે 1996 થી 1999 ત્રણેય ચૂંટણીમાં નિશાબેન ચૌધરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી લોકસભામાં પહોંચ્યા હતા બંને મહિલાનો સક્સેસ રેટ સો ટકા રહ્યો હતો ભાજપ કોંગ્રેસે અત્યાર સુધીમાં રમીલાબેનબારા અને નિશાબેન ચૌધરી બે મહિલાઓને જ ચૂંટણી લડવા તક આપી છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધી એક પણ મહિલા ઉમેદવારને તક આપી નથી. આ વિધાનસભાની ચૂંટણીમાં સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસમાંથી એકેય પક્ષે મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી.