જિલ્લામાં અંગ્રેજી માધ્યમની ૧૨ શાળાઓને સરકારે મંજૂરી આપી
ગાંધીનગર, શનિવાર
માતૃભાષા ગુજરાતી ભાષા નેશનલ અંગ્રેજી ભાષાની સામે હારી ગઇ હોય તેમ લાગે છે. ચાલુ વર્ષે જિલ્લામાં નવી ખુલેલી ખાનગી ૧૮ પ્રાથમિક શાળાઓમાંથી ૧૨ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે. અંગ્રેજી માધ્યમની સૌથી વધુ ગાંધીનગર તાલુકામાં સાત, માણસામાં ત્રણ અને દહેગામમાં બે શાળાઓને મંજૂરી અપાઈ છે. કલોલમાં એકપણ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી નથી. અંગ્રેજી માધ્યમની શાળાઓની સામે ગુજરાતી માધ્યમની માત્ર છ નવી ખાનગી શાળાઓ ખુલી છે. જે બતાવે છે કે આગામી સમયમાં ગુજરાતી શાળાઓ સામેમોટો પડકાર ઊભો થશે.વર્તમાન સમયમાં અબાલવૃધ્ધ સૌ કોઇમાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો લગાવ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને પરિણામે માતૃભાષા ગુજરાતીને જાણે લૂણો લાગ્યો હોય તેમ લોકો ગુજરાતીને બદલે અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપી રહ્યા છે. અંગ્રેજી ભાષાના વધતા જતા મહત્વને પગલે વાલીઓમાં પણ પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવાનો ક્રેઝ વિશેષ જોવા મળી રહ્યો છે. જેને પરિણામે નવા શૈક્ષણિકસત્રના પ્રારંભે જ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશના હાઉસફુલ પાટીયા લાગી જાય છે. વાલીઓમાં અંગ્રેજી માધ્યમના ક્રેઝને પગલે પોતાના બાળકને પ્રિ-પ્રાયમરીથી જ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. વાલીઓના ક્રેઝની અસર નવી ખુલતી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપર પણ જોવા મળી છે.
ચાલુ વર્ષે જિલ્લામાં કુલ ૧૮ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુર કરવામાં આવી છે. જેમાં ગુજરાતી માધ્યમની છ અને અંગ્રેજી માધ્યમની ૧૨ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મંજુર કરાયેલી ૧૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગાંધીનગર તાલુકામાં દસમાંથી ત્રણ ગુજરાતી અને સાત અંગ્રેજી, દહેગામ તાલુકામાં ત્રણમાંથી એક ગુજરાતી અને બે અંગ્રેજી, માણસામાં ચારમાંથી એક ગુજરાતી અને ત્રણ અંગ્રેજી જ્યારે કલોલમાં માત્ર અંગ્રેજીની એકપણ નહી અને એક ગુજરાતી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળાને મંજુરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અંગ્રેજી માધ્યમની અંદાજે ૪૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ચાલુ વર્ષથી નવી ૧૨ ખાનગી શાળાઓ ખુલતા અંગ્રેજી માધ્યમની શાળાઓનો આંકડો ૫૨ સુધી પહોંચ્યોે છે.
પાંચ શાળાઓને મંજૂરી અપાઇ નહી
ફરજિયાત શિક્ષણના કાયદામાં પ્રાથમિક શાળા માટેના નિયમો નિયત કરવામાં આવ્યા છે. જેનું પાલન નહી થતું હોવાથી નવી પ્રાથમિક શાળાઓની મંજુરી માટે આવેલી પાંચેક અરજીઓને રદ કરવામાં આવી છે. જ્યારે દસેક શાળાઓના નવા વર્ગની મંજુરી આપવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.