આંગણવાડીઓમાં કુપોષિત બાળકો માટે ખજૂરનું વિતરણ કરવાનો નિર્ણય
ગાંધીનગર, શનિવાર
જિલ્લામાં કુપોષિત બાળકોને પોષણ પુરું પાડવા માટે જિલ્લા વહીવટી તંત્રએ હવે કમર કસી છે. કુપોષિત બાળકોને પોષણયુક્ત આહારમાં હવે ખજુર આપવાનો નિર્ણય કરાયો છે. પાયલોટ પ્રોજેક્ટમાં અત્યારે કલોલ અને માણસા તાલુકામાં આવા કુપોષિત બાળકો માટે એક ટન એટલેકે ૧૦૦૦ કિલો ખજુર આંગણવાડીઓમાં આપવાનું આયોજન છે. ત્યારબાદ ગાંધીનગર અને દહેગામ તાલુકો હાથમાં લેવામાં આવશે.
કુપોષણ સામે રાજ્ય સરકાર દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી જાતજાતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકોને પોષણ મળી રહે તે ઈરાદે હવે તો કાર્યક્રમોમાં પણ પુષ્પગુચ્છના બદલે ફળની ટોપલી આપવાનો નવો ચિલો શરૂ કરવામાં આવ્યો છે. અને ફળોની ટોપલી આંગણવાડીઓને આપવામાં આવી રહી છે. હવે જિલ્લામાં એક નવો પ્રયાસ હાથમાં લેવામાં આવ્યો છે, જેમાં આંગણવાડીના બાળકોને ખજુર ખવડાવવાની એક કોશિશ શરૂ કરવામાં આવી છે.
જેમાં કલોલ અને માણસા તાલુકાની આંગણવાડીના બાળકો માટે અંદાજે એક ટન ખજુરનું વિતરણ કરવામાં આવશે. કલોલ તાલુકાની આંગણવાડીઓને ૫૦૦ કિલો ખજુરનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. અને હવે આગામી ૮ ઓગસ્ટના રોજ માણસા તાલુકાની આંગણવાડીઓમાં ૫૦૦ કિલો ખજુરનું વિતરણ કરાશે. આ જ રીતે દહેગામ અને ગાંધીનગર તાલુકાની આંગણવાડીઓ માટે પણ ખજુરનું વિતરણ કરવાનું આયોજન છે. એક દાતા તરફથી આ પ્રોજેક્ટ માટે અનુદાન મળવા પામ્યું છે. દાતાએ ખુદ બાળકોના પોષણ માટેની ચિંતામાં પોતાનો સાથ પુરાવ્યો છે. અને કલોલ તથા માણસા તાલુકા માટે એક ટન ખજુરનું દાન કર્યું છે. બાળકોમાં કુપોષણને નાથવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. ખજુર ખુબજ પૌષ્ટિક ગણાય છે. અને તેથી જ આંગણવાડીના બાળકોને ખજુર ખવડાવવાનું નવું બીડું ઉપાડવામાં આવ્યું છે.