દેવામાફી સહિતના મુદ્દે ખેડૂતો વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કરશે
અમદાવાદ :
ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો, આદિવાસી સંગઠનો અને મહિલા ખેડૂતો સાથે કામ કરતાં સંગઠનો, ખેત મજૂરો સાથે કામ કરતાં ૩૦ જેટલા સંગઠનોના આગેવાનોની ગુરુવારે ભદ્ર સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના દેવા નાબૂદી, પાક વીમો, સિંચાઈ અને દુષ્કાળ જેવા મુદ્દા ઉકેલાતાં ના હોવાથી આગામી વાઈબ્રન્ટ સમિટના તાયફાનો વિરોધ કરવો તે મતલબનો નિર્ણય લેવાયો હતો. આમ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ ગુજરાતના ખેડૂતો સહિતના વિવિધ સંગઠનોએ સરકાર સામે જંગ છેડવાનું એલાન કરી દીધું છે.
સરકાર દ્વારા ખેડૂતો ઉપરાંત મીઠું પકવતાં અગરિયાઓ, આદિવાસી સમાજ માટે પૂરતો ફંડ વપરાતો ના હોવા સહિતના મુદ્દે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં સરકાર સામે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટના વિરોધની સાથે સાથે આગામી ૯થી ૧૧ જાન્યુઆરી એમ ત્રણ દિવસ કરમસદથી ગાંધી આશ્રમ સુધી પગપાળા યાત્રા યોજવાનું નક્કી કરાયું છે.
આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમદાવાદ જિલ્લામાં સંમેલનો યોજાશે જ્યારે ૨૬મી ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજ્યના તાલુકા મથકો અને જિલ્લા મથકો પર ખેડૂતો આવેદન પત્ર આપશે. ખેડૂત સમાજ સહિતના વિવિધ સંગઠનો દ્વારા એવું પણ જાહેર કર્યું છે કે, રાજ્ય સરકારની ગરીબ વિરોધી નીતિ, ઉદ્યોગ તરફી નીતિનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
આ બેઠકમાં એવું પણ નક્કી કરાયું છે કે, ગુજરાતમાં નાના અને લઘુ ઉદ્યોગો ઉપરાંત છુટક વેપારીઓની સ્થિતિ પણ બદતર બની રહી છે એટલે તેમને પણ આ લડતમાં સાથે લેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતીની વીજળીમાં પણ અન્યાય કરાઈ રહ્યો છે આ બાબતને લઈને પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આમ ખેડૂત સંગઠનોના આ આંદોલનાત્મક કાર્યક્રમો ચૂંટણી સમયે જ સરકાર માટે માથાનાં દુખાવા સમાન બની રહેશે.