કાળા નાણાંના ૪૫,૦૦૦ કેસ પણ ૪ વર્ષથી તેની ખાસ કોર્ટની રચના કરવામાં કેન્દ્ર સરકાર ઘોર નિંદ્રામાં.
અમદાવાદ :
દેશમાં કાળુ નાણું કડક હાથે ડામી દેવામાં આવશે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સહિતના વચનો આપી ભાજપએ કેન્દ્રમાં સત્તા હાંસલ કરેલી. પરંતુ સરકારની જ વિવિધ તપાસ એજન્સીઓએ જેવી કે, સીબીડીટી, સીબીઆઈ, કસ્ટમ્સ અને ઈડીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના આશરે ૪૫,૦૦૦ જેટલા કેસ કર્યા છે તે ચલાવવા પાછલા ચાર વર્ષથી ખાસ કોર્ટની રચના કરવામાં કેન્દ્ર સરકાર ઘોર નિંદ્રામાં પોઢી હોવાનું જણાય છે.
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કેન્દ્ર સરકારે ૨૦૧૪માં કાળા નાણા મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એમ બી શાહના વડપણ હેઠળ એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરેલી. આ સીટે ભાજપ સરકારને તમામ એજન્સીઓ દ્વારા થતા કાળા નાણાંના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટની રચના કરવાની ભલામણ કરેલી. પરંતુ ચાર વર્ષથી કેન્દ્ર સરકાર આ ભલામણ ધ્યાને લેતી નથી.
તાજેતરમાં જ જસ્ટીસ એમ બી શાહના વડપણ હેઠળ અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસમાં સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રા અને ઈડી, સીબીઆઈ, ડીઆરઆઈ, રિઝર્વ બેંક અને કેન્દ્રના નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની એક હાઈ પાવર્ડ બેઠક યોજાઈ હતી. આ બેઠકના અંતે કેન્દ્ર સરકારને પુનઃ ઝડપથી ભ્રષ્ટાચારના કેસો ચલાવવા ખાસ કોર્ટની તાકીદે રચના કરવા રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું કે, જસ્ટીસ એમ બી શાહની સીટ તરફથી કાયદા મંત્રાલયને પુનઃ એક પત્ર લખવામાં આવશે જેમાં આ મામલે દેશભરમાં ખાસ કોર્ટની રચના કરી ગુનેગારો સામે પગલાં ભરવા જોઈએ.
SITને શું કામગીરી સોંપાયેલી
સુપ્રીમ કોર્ટના આદેશના અમલરૂપે ૨૦૧૪માં સરકારે અર્થતંત્રમાંથી કાળા નાણાનું દૂષણ નાથવા શું પગલાં ભરવાં તે સૂચવવા સીટની રચના કરી હતી. આ સીટને રિઝર્વ બેન્ક, આઈબી, ઈડી, સીબીઆઈ અને રો સાથે સંકલન સાધી વિદેશમાં કાળુ નાણું સંતાડવાના કેસોની તપાસ કરવાની જવાબદારી સોંપી હતી. આ સંદર્ભમાં પોતે તપાસ કર્યા બાદ આવા કેસોના આરોપીઓ સામે કાર્યવાહી કરવા વિશેષ કોર્ટોની રચના થવી જોઈએ તેવી સીટ તરફથી ભલામણ થયેલી. કારણ કે, દેશની રેગ્યુલર કોર્ટમાં પહેલેથી જ એટલા બધા કેસોનો ભરાવો થયેલો છે કે આવા ભ્રષ્ટાચારના વિશેષ કેસ માટે અલાયદી કોર્ટોની રચના થવી જોઈએ તેમ સીટનું માનવું હતું.
૪૫,૦૦૦ કેસો કયા કયા છે
સીટ દ્વારા જે ૪૫ હજાર કેસોમાં કાર્યવાહી માટે ખાસ કોર્ટની રચના કરવાની ભલામણ થઈ છે તે નીચે મુજબની જુદી જુદી એજન્સીમાં થયેલા છે.
સીબીડીટીએ કરેલા કેસ
પ્રોસિક્યુશનની ફરિયાદો : ૨૨,૦૦૦
પ્રોસિક્યુશનના નોંધાયેલા કેસ : ૧૦,૦૦૦
રેવન્યુ સત્તાવાળાઓએ કરેલા કેસ
સીબીઆઈ : ૮,૦૦૦
કસ્ટમ્સ : ૪,૦૦૦
ઈડી : ૧,૦૦૦