“ધોલેરા સર” મુદ્દે “કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ”, રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ..!
ધોલેરા :
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સામે લોકો દ્વારા કરાયેલી અરજીનો નિકાલ આવે નહીં ત્યાં સુધી હાઇ કોર્ટે પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપતાં ગુજરાત સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટને ફટકો પડયો હતો. 11 ડિસેમ્બર 2017થી આ આદેશ આવ્યો હોવા છતાં તેમાં ગુજરાત સરકાર ખેડૂતોને ટાઉન પ્લાનીંગ એક્ટ હેઠળ નોટિસ આપીને પરેશાન કરી રહી હતી. સાત ગામના 3600 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જમીન ખેડૂતો પાસેથી મફતમાં લઈને ઉદ્યોગોને આપી દેવાની નીતિને મોટી લપડાક પડી હતી. ગુજરાત વડીઅદાલતમાં સર કાયદાની બંધારણીય યોગ્યતા અને ટાઉન પ્લાનીંગ એકટને ખેતીની જમીનમાં લાગુ કરવાની કાયદેસરતાને પડકારાઈ હતી. રાજય સરકારન આ 22 ગામોની જમીનનો કબ્જો ના લેવા અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ કર્યો હતો. તેમ છતાં ખેડૂતોને ટાઉન પ્લાનિંગ માટે દસ્તાવેજો રજૂ કરવા 10 જેટલી નોટિસ સરકારે આપી હતી. આમ કન્ટેમ્પ્ટ ઓફો કોર્ટની નોટિસ ગુજરાતની વડી અદાલતે સરકારને આપી છે. આમ છતાં હવે ભાજપ સરકારનું વાયબ્રન્ટ ગુજરાતનું સ્વપ્ન ખંભાતના અખાતમાં ગરકાવ થઈ ગયું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ધોલેરાને આગળ કરી પ્રચાર કરવાની ગણતરી પણ ખોરવાઈ ગઈ છે.
આ ચૂકાદો એટલા માટે મહત્વનો હતો, કારણ કે રાજય સરકાર ધોલેરા એક નહીં પરંતુ રાજયમાં આવા અન્ય 14 સર બનાવવા માંગે છે. વડીઅદાલતના મનાઈ હુકમના કારણે સર એકટની બંધારણીય યોગ્યતા પર હવે સવાલ ઊભા થઈ રહ્યાં છે. ગુજરાત ખેડૂત સમાજ અને ધોલેરા વિસ્તારના 22 ગામોના લોકો દ્વારા કરાયેલી અરજીના પગલે ત્રણ કલાક લાંબી ચાલેલી સુનાવણી બાદ ગુજરાતની વડીઅદાલતના કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વિપુલ પંચોલીની બનેલી ડિવીઝન બેંચે અરજીને દાખલ કરી હતી અને રાજ્ય સરકારને પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપ્યો હતો. તેમ એડવોકેટ વખારિયાએ તે સમયે જણાવ્યું હતું.
ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ધારા, 2009ને બંધારણના ઉલ્લંઘન તરીકે શા માટે નહીં ગણવો જોઇએ તેની સ્પષ્ટતા કરવા વડીઅદાલત ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. આ કેસમાં સુનાવણી હવે 2016ના જાન્યુઆરીમાં થશે, એમ ધારાશાત્રી કૃષ્ણકાંત વખારિયાએ જણાવ્યું હતું. રાજય સરકારે ધોલેરા વિસ્તારમાં છ ટી.પી. પાડી છે અને ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-1976 મુજબ ખેડૂતોની 40 ટકાના બદલે 50 ટકા જમીન ગેઝેટમાં જાહેરાત કરીને એક ઝાટકે લઈ લેવાનું નક્કી કરાયું હતું. હવે તે જમીન લઈ લેવા માટે રીતસર નોટિસ ફટકારવામાં આવી હતી. ગુજરાત ટાઉન પ્લાનિંગ ધારા હેઠળ સંપાદન કરવામાં આવી રહેલી જમીન સામે ધોલેરા વિસ્તારના 100થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો. આ ધારામાં વળતર ચૂકવ્યા વિના 40 ટકા જમીન સંપાદન કરવાની જોગવાઇ છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ ધારા હેઠળ સરકાર 50 ટકા જમીન સંપાદન કરી રહી છે. રાજ્યમાં 2014ના જાન્યુઆરીથી અમલી બનેલા નવા જમીન સંપાદન ધારા હેઠળ સરકાર એ કાયદો કાયદેસર લાગુ કરી ન શકે, એમ વખારિયાએ વધુમાં જણાવ્યું હતું.
ખેડૂતોની 50 ટકા જમીન આ રીતે મફતમાં લઈ લેવાની હતી અને બાકીની જમીન ખેડૂતને જે ગામમાં ખરાબામાં કે અન્ય કયાંય ખાલી પડે ત્યાં આપવાની હતી. આ યોજનાના અમલ માટે રાજય સરકારે સર એકટમાં ટી.પી. એકટને સમાવી લીધો છે. આથી વડીઅદાલતમાં થયેલી જાહેરહીત ની અરજીમાં સર એકટની કલમ 3, 4, 5, 8, 17, 29 ની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. ખેડૂતો દ્વારા કોર્ટ સમક્ષ એવી દલીલ મુકવામાં આવી છે કે આ તમામ જમીન પંચાયતની અંદર આવે છે અને ખેતીની જમીન છે.
આ જમીન ટાઉન પ્લાનીંગ એકટ હેઠળ કઈ રીતે લઈ શકાય? આ માટે જે તે વિસ્તારોને નગરપાલિકામાં ફેરવવા પડે અને તેના માટેના માપદંડ નક્કી છે જેમ કે ગામની વસ્તી કેટલી છે, કેટલા ટકા લોકો ખેતી સિવાયના અન્ય વ્યવસાય પર આધાર રાખે છે વગેરે. જે વિસ્તાર ગ્રામ્ય માંથી શહેરી બનવા તરફ જઈ રહ્યો હોય તો તેના વિકાસ માટે ઓથોરિટીની રચના કરવી પડે. રાજય સરકારનું પગલું બંધારણના અનુચ્છેદ 243 (ઝેડ)(ડી) અને (ઝેડ)(ઈ)નું સીધુ ઉલ્લંઘન છે.
સામાન્ય રીતે કયાંય ટી.પી. પડે તો 40 ટકા જમીન કપાતમાં જતી હોઈ છે જેનો ઉપયોગ રસ્તાઓ બનાવવામાં, બગીચા બનાવવામાં, ડ્રેનેજ વગેરે જાહેર હેતુ માટે થતો હોઈ છે. જેના બદલે કોઈ જાહેર હેતુના બદલે સરકાર આ જમીન ખેડૂતો પાસેથી ટી.પી.ના ઓઠા હેઠળ લઈને ઉદ્યોગોને પાણીના ભાવે વેચી દેવા માંગે છે. જાહેર હેતુ તેમાં રહેતો નથી. આમેય શહેરી સત્તા વિકાસ મંડળ, મહાનગરપાલિકાઓ ખેડૂતોની મેળવેલી 40-50 ટકા જમીન હરાજી વગર વેચી દે છે. પ્રજા મિલકત વેરો, રોડ વેરો, પાણી વેરો જેવા વેરા ભરતી હોવા છતાં અબજો રૂપિયાની જમીનો વેચી દેવાઈ છે, જેની આવકમાંથી શહેરનું તંત્ર ચલાવે છે. રાજનેતાઓ આવા પ્લોટ વેચીને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતાં હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. આથી ખેડૂતોની માંગ હતી કે કેન્દ્ર સરકારના નવા જમીન સંપાદન ધારા હેઠળ જ જમીન સંપાદિત થઈ શકે જે ધારો જાન્યુઆરી 2015થી અમલમાં આવ્યો છે. આ ધારા મુજબ જમીન સંપાદિત કરતાં પહેલા 70 ટકા ખેડૂતોની સહમતી જરૂરી છે, બજાર કિંમત કરતાં ખેડૂતોને ચાર ગણું જમીનનું વળતર ચુકવવું પડે અને અસરગ્રસ્ત ખેડૂતના પરિવારના સભ્યોને ઉદ્યોગોમાં નોકરી આપવી પડે.
ધોલેરા સર ડેવલોપમેન્ટ ઓથોરિટી તરફથી 26 નવેમ્બર 2017થી ધોલેરાના 200 જેટલા ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી, જેમાં જણાવાયું છે કે 15 દિવસમાં વેરીફિકેશન માટે અધિકારીઓ આવશે અને ત્યારબાદ તેમની જમીનો ટી.પી. એકટ હેઠળ લેવામાં આવશે. આ રીતે અન્ય તમામ ગામોના ખેડૂતોને પણ નોટિસો આપવાની શરૂ થવાની હતી જેથી આજે વચગાળાની રાહત માટે સિવિલ એપ્લીકેશન કરવામાં આવી હતી, જો કે વડીઅદાલતનો મનાઈહુકમ આવી જતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ ફરીથી 2300 ખેડૂતોને નોટિસ આપતાં તેઓ સરકારી કચેરીએ દોડી ગયા હતા.
ધોલેરા સ્માર્ટ સિટી જ્યાં બનવાનું છે તે 22 ગામ ભાંગીને એક ઔદ્યોગિક શહેર છેલ્લા 16 વર્ષથી બની રહ્યું છે. આ ગામના 3600 ખેડૂતોને જમીન આપી દેવા નોટિસ આપવામાં આવતાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. 8 ગામમાં 3 ટાઉન પ્લાનીંગ બનાવવા માટે શહેરી વિકાસ વિભાગ હેઠળના સરની ટાઉન પ્લાનિંગની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે કે ખેડૂતોએ તેમની જમીન અંગેના રેકોર્ડ આપી જવા. નહીંતર સરકાર પાસે જે રેકર્ડ છે તેના આધારે નિર્ણય લેવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી હતી.
આવી આકરી નોટિસ બાદ ખેડૂતો ધોલેરા સરની ટાઉનપ્લાનિંગ કચેરી ખાતે ધસી ગયા હતા. ખેડૂતોએ આરોપ મૂક્યો હતો કે હાઈ કોર્ટમાં કેસ હોવા છતાં આ નોટિસ આપીને ડરાવવામાં આવી રહ્યાં છે. નોટિસનો વિરોધ કરવા માટે 3600 ખેડૂતો સરકારી કચેરીએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. ખેડૂતો છેલ્લાં 10 વર્ષથી પોતાની જમીન નહીં આપવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે અને ધેલેરા સર એક્ટ 2009નો પણ સતત વિરોધ કરી રહ્યાં છે.
ભાલ બચાવો સમિતિ બનાવીને ખેડૂતો સફળતાપૂર્વક લડી રહ્યાં છે. હવે સરકાર જબરજસ્તી અને બળાત્કારે જમીન લઈ લેવા પર ઉતરી આવી છે. એક માત્ર ધોલેરા સરમાં જ કપાતની જમીનના ખેડુતોને જંત્રી મુજબના વળતર પણ સરકાર ચૂક્વશે. પણ જમીન સામે જમીન નહીં આપે. ટી.પી. સ્કીમોમાં જમીન લઈ લેવામાં આવી રહી છે. ખેડૂતોની જમીન હડપ કરીને રાજકારાણીઓ અને માલેતુજારોને સવલતો આપવામાં આવી રહી હોવાનું ખેડૂતો માની રહ્યાં છે.
ખેડૂતોની જમીન લેવી હોય તો તેની સામે જમીન સરકાર આપે એવી પણ કેટલાંક ખેડૂતો માંગણી કરી રહ્યાં છે. જે ગામની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જમીન જઈ રહી છે તેવા ગામમાં ઓતારીયા, સાંઢીડા, ચેર, મુંડી, સોઢી, સાંગાસર અને ધોલેરાનો સમાવેશ થાય છે. આ ગામોની કેટલીક જમીન રાજકારીઓએ બેનામી સંપત્તિ તરીકે ખરીદી છે. જે મોટા ભાગે ભાજપના નેતાઓ છે. તેઓ હવે આ જમીનની 10 ગણી કિંમત મેળવશે. તેના ઉપર પોતાના સ્કીમ પણ મૂકશે.
તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તક આવતાં શહેર વિકાસ વિભાગ કોઈ પણ રીતે ખેડૂતોની જમીન લઈ લેવા માંગે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. 6 ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા આગામી વર્ષોમાં સ્માર્ટ સીટીનું નિર્માણ કરવા માટે ભાજપના નેતાઓ અધીરા બન્યા છે.