પાર્કિંગ હોય તેવા કોમર્શિયલ કોમ્પ્લેક્ષને મંજુરી અપાશે નહીં
શહેરમાંસમસ્યા બની ચુકેલા પાર્કિંગના પ્રશ્રે તંત્ર દ્વારા આકરા તેવર અખત્યાર કરવામાં આવશે. શહેરમાં કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હશે તો તેની સામે કાયદેસર કરવામાં આવશે. દરેક વાણીજ્ય સંકુલમાં બિલ્ડરે પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે. આવી વ્યવસ્થા ઉભી થઈ ગયા પછી કોઈ વ્યક્તિ પોતાનું વાહન આડેધડ પાર્ક કરશે તો પોલીસ દ્વારા વાહન ઉઠાવી લેવાની અને દંડની ગોઠવણ કરવામાં આવશે. ઉપરાંત મહાપાલિકા દ્વારા વાણીજ્ય સંકુલોના પાર્કિંગમાં કરાયેલા બાંધકામ શોધીને તોડી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે.
ગાંધીનગરમાં આવેલા તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્ષને વાહનોના પાર્કિંગ કરવા માટે ભોંયરૂ ખોલી નાખવા કહેવામાં આવશે. હવે પછી તમામ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં બિલ્ડરે પોતે પોતાના ખર્ચે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી પડશે. જગ્યામાં બાંધકામ કરેલું હોય તો બિલ્ડરે તોડી નાખવાનું રહેશે.
અન્યથા તંત્ર દ્વારા આવા બાંધકામો તોડી પાડવામાં આવશે. કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની સુવિધા સંદર્ભે સર્વે કરી લેવા માટે ટુકડીઓ પણ મોકલવામાં આવશે. વાણિજ્ય પ્રવૃતિથી ધમધમતા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે વાણિજ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરાયેલા વાહનો ટોઇંગ કરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
વાણિજ્ય વિસ્તારોમાં એક વખત પાર્કિંગની સુવિધા ઉભી થઈ જાય ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા પોલીસને કહેવામાં આવ્યું છે. તેથી તમામ વાણિજ્ય સંકુલોમાં પાર્કિંગની સુવિધા ઉભી થાય તે તરફ સર્વપ્રથમ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બારૈયાએ જણાવ્યુ હતું. ઉપરાંત જાહેરસ્થળો અને સરકારી કચેરીઓમાં પાર્કિંગની જગ્યાઓ માર્ક કરી આપવા માટે અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
સરકારી સંકુલોમાં વાહનો પાર્ક કરવા માટે જગ્યા હોય અને સુવિધા ઉભી કરવામાં આવી ના હોય તો તે પરીપૂર્ણ કરવાનું કામ કરવાનું રહેશે. સરકારી વાહનો અને ખાનગી વાહનો માટે અલગ અલગ વ્યવસ્થા કરવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.
ટ્રાફિક જામની સમસ્યા નિવારવા મહાપાલિકા કવાયત કરશે