હવે તમારે મારા આ ડિપાર્ટમેન્ટને પૈસા દેવા નહીં પડે, સીએમ રૂપાણીએ ફરી વાંટ્યો ભાંગરો
પોરબંદર :
રાજ્યમાં સૌથી વધુ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું વિધાન કરી વિવાદમાં ફસાઈ ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આશ્ચર્યજનક અને ફરી વિવાદ સર્જે તેવું વિધાન કર્યું હતું કે ‘હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે, મારી સરકારે હોટેલનાં સંચાલકોને પોલીસનું લાઈસન્સ લેવામાંથી મુક્તિ આપી છે’.
મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આજે પોરબંદર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં દોઢ કરોડની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રૂા. ૧૧૯ કરોડનાં ખર્ચે ઉપલેટાથી રાણાવાવ સુધીની ૬૪ કિ.મી. લાંબી બલ્ક પાઈપ લાઈન યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાજપની સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, તેઓ દ્વારા આ પ્રકારે થતાં વિવાદાસ્પદ નિવેદનો તેમની કાર્યક્ષમતા ઉપર સવાલો ઉભા કરે છે. ગુજરાતમાં કોઈ પણ સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય તો તે નાબુદ કરવામાં શું તેઓ સક્ષમ નથી કે આ પ્રકારનાં જાહેર નિવેદનો કરવા પડે છે. એવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે.
હવે, મુખ્યમંત્રીએ પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ કહ્યો
મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનાં નિવેદને ખાસ્સો હોબાળો મચાવ્યો હતો. મહેસૂલ વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનનો કરી મુખ્યમંત્રી વિધાનો પાછા ખેંચે તેવી માંગ કરી હતી. વિપક્ષ કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શનો કરી ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રી રાજીનામુ આપે તેવી માંગ કરી હતી. હવે, મુખ્યમંત્રીએ પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ કહ્યો છે. આનાથી આગામી દિવસોમાં વિવાદ સર્જાય તો નવાઈ નહીં.