ત્રણ મહિનામાં કોર્પોરેશનને પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી દેવાનું જાહેરનામું
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા દિનપ્રતિ દિન વધી રહી છે ત્યારે કોર્પોરેશને વારંવાર પકડાતા પશુઓની ઓળખ માટે આરએફઆઇડી એટલે કે, રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટીફિકેશન સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કર્યું હતું.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રખડતાં પશુઓની સમસ્યા નાથવા માટે પશુઓમાં રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટીફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવનાર છે જેના ભાગરૃપે આગામી ત્રણ મહિનામાં ગાંધીનગરમાં પશુઓ ધરાવતા માલધારીઓને તેમના પશુઓનું રજીસ્ટ્રેશન કોર્પોરેશનની કચેરી ખાતે કરાવી દેવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે જેનું ઉલ્લંઘન કરનાર સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવનાર છે.
પશુઓમાં આ ચીપ લગાવી દિધા બાદ તેમાં તેના માલિકનું નામ તથા તેનું સરમાનું રાખવામાં આવશે અને વારંવાર પશુ પકડાશે તો તેની ઓળખ પણ થઇ જશે કેમ કે કોર્પોરેશન દ્વારા વારંવાર પકડાતા પશુઓ માટે અલગ અલગ દંડની જોગવાઇ કરવામાં આવી છે ત્રણથી વધુ વખત પશુ પકડાય તો તેને નહીં છોડીને પાંજરાપોળમાં મોકલી આપવાની પણ ઠરાવવામાં આવ્યું છે ત્યારે આ મામલે ગાંધીનગર નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પશુઓ પાળતા નાગરિકોને પશુઓનું રજીસ્ટ્રેશન કોર્પોરેશનની કચેરી ખાતે ૨૦ દિવસમાં કરાવી દેવા જણાવી દેવામાં આવ્યું છે જે જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન દ્વારા આ સિસ્ટમ લાગુ કરાયા બાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ઘટે છે કે નહીં.