ભાજપ પ્રદેશ પ્રમુખ હવે ધારાસભ્યોને લખતા અને કમ્યુનિકેશન કેમ કરાય તે શીખવાડશે
ગુજરાતમાં વિધાનસભામાં બે દિવસ સુધી સંસદીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સંસદીય કાર્યશાળામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા મંત્રીની જવાબદારી અને બજેટની જાગવાઈ અને નિયમો જાણવાની વાત કહી હતી. હવે વિધાનસભાના અધ્યક્ષ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવોદિત ધારાસભ્યોની કલાસ લેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ હવે ધારાસભ્યોને લખતા અને કમ્યુનિકેશન કેમ કરાય તે શીખવાડશે. આ માટે પાટીલ એક પાઠશાળાનું આયોજન કરશે.
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મોટા ભાગના નવોદિત ધારાસભ્યો ચૂંટાયા છે ત્યારે ભાજપ પાસે સૌથી મોટો ટાસ્ક નવોદિતોને વ્યવહારુ જ્ઞાન આપવાનો છે. આ માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાઠશાળાનું આયોજન કરશે. આ પાઠશાળામાં અનેક મુદ્દાઓ પર નવોદિત ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે. ચૂંટાયેલા ધારાસભ્યોમાં સરકાર સાથે કોમ્યુકોનિકેશન કેવી રીતે કરવું, સરકારી અધિકારીઓ પાસે કામ કઈ રીતે કરાવવું અને પોતાની માંગણીઓ કેવી રીતે રજૂ કરવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. નવોદિત ધારાસભ્યોને સરકારી કાગળ પર લખાણ તેમજ પત્ર વ્યવ્હાર કઈ રીતે કરવો જેવી બાબતો અંગે અનેક પ્રશ્નો સર્જાતા હોય છે જેના વિષે પ્રદેશ પ્રમુખ પાટીલ ધારાસભ્યોને માહિતગાર કરશે.
ગુજરાતના બજેટ સેશન બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ આ પાઠશાળાનો પ્રારંભ કરશે. આ પાઠશાળાનું આયોજન માર્ચના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. આ પાઠશાળામાં ભાજપના ચૂંટાયેલા નવોદિત ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવશે અને તેમને સીઆર પાટીલ કાર્યો કેવી રીતે કરી શકાય તેની શીખ આપશે.