ગુજરાત પોલીસ વડા તરીકે 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની કાયમી નિમણૂક
ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટિયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા છે. ત્યારબાદ 1989 બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડા બનાવવામાં આવ્યા હતા. હવે આજે વિકાસ સહાયની રાજ્યના પોલીસ વડા તરીકે કાયમી નિમણૂક કરવામાં આવી છે. અગાઉ નવા ડીજીપીની રેસમાં 3 આઈપીએસ અધિકારીઓ હતા. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાય હવે ગુજરાતના નવા ડીજીપી બન્યા છે.
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ પામેલ છે. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં ડીસીપી ઝોન II અને III અમદાવાદ સિટી, 2004માં ડીસીપી ટ્રાફિક અમદાવાદ સિટી, એડિશનલ સીપી ટ્રાફિક અનેક મહત્વના પદો પર રહી ચૂક્યા છે.
અગાઉ વિજય રૂપાણીની સરકાર દરમિયાન, ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને પેપર લીક થવાના કારણે બાજુ પરથી હટાવવામાં આવ્યા હતા. હવે, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં, વિકાસ સહાય ફરી કેન્દ્રસ્થાને આવી છે. આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપીની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે તેઓ રાજ્યના કાયમી ડીજીપી બની ગયા છે.