PSI ભરતી કૌભાંડ મામલે વિધાનસભામાં હોબાળો, કોંગ્રેસ-આપના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
40 લાખની લાંચ આપીને એક યુવક કોઈ પણ જાતની લેખિત કે શારીરિક તપાસ કર્યા વગર સીધો કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈ તરીકેની તાલીમ લઈ રહ્યો છે. આરોપો લાગતાની સાથે જ સરકારે તપાસ હાથ ધરી હતી. જાન્યુઆરીથી કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લેતો યુવક મળી આવતા ડભોડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે ગૃહમાં હંગામો કર્યો હતો. આ પછી કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. તે જ સમયે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ PSI ભરતી કૌભાંડ પર ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. ત્યારે ભાજપના ધારાસભ્યએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી હતી. તે સમયે વિપક્ષના ધારાસભ્યોએ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરીને ગૃહમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
સરકાર અને પોલીસ ભરતી પ્રક્રિયાની ટીકા કરતા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે કરાઈ પોલીસ એકેડમીમાં 40 લાખ રૂપિયાની લાંચ આપીને કોઈ પણ જાતની લેખિત કે શારીરિક કસોટી વગર એક યુવકને પીએસઆઈ તરીકે સીધી તાલીમ આપવામાં આવી રહી છે. જ્યારે મીડિયા સમક્ષ આના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા ત્યારે સરકાર તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ગુપ્ત તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે એક યુવક જાન્યુઆરીથી બનાવટી દસ્તાવેજોના આધારે કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને કેસ નોંધવામાં આવ્યો હતો.