એચ.થ્રી.એન.ટુ.ના નવા ચાર કેસ નોંધાયા, અમદાવાદમાં ૧૪ દિવસમાં કોરોનાનાં ૨૦૫ કેસ નોંધાયા
છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બે ઋતુનો અહેસાસ શહેરીજનો કરી રહયા છે.દિવસના સમયે ગરમી અને સાંજના સમય બાદ મહત્તમ તાપમાનમાં નોંધાતા ઘટાડાને કારણે વાઈરલ ઈન્ફેકશન,ફીવરની સાથે શહેરના વિવિધ વિસ્તારમાં કોરોના અને એચ.થ્રી-એન.ટુના કેસની સંખ્યામા પણ વધારો થવા પામ્યો છે.શહેરના નદીપાર આવેલા પાલડી ઉપરાંત નવરંગપુરા તેમજ બોડકદેવ,જોધપુર સહીતના અન્ય વોર્ડ વિસ્તારમાં કોરોના તેમજ એચ.થ્રી-એન.ટુ.ના કેસની સંખ્યામાં સતત વધારો થયેલો જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી લેબોરેટરી ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદમાં માર્ચ મહિનામાં શહેરના મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થયો છે.માર્ચ મહિનાના ૧૪ દિવસમાં કોરોનાના નવા ૨૦૫ કેસ નોંધાતા હાલમાં શહેરમાં કોરોનાના કુલ ૧૪૬ એકિટવ કેસ નોંધાયા છે.૧૫ દર્દી મ્યુનિ.ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.શહેરમાં ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસ એચ.થ્રી.એન.ટુ.ના નવા ચાર કેસ નોંધાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહયો હોવાછતાં વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા શહેરીજનોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ જેવી બાબત ભૂલાઈ ગઈ હોવાથી કોરોનાના નવા કેસની સાથે ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસ એચ.થ્રી-એન.ટુ.ના કેસ પણ વધી રહયા છે.૧૪ માર્ચ સુધીમાં શહેરમાં એચ.થ્રી-એન.ટુ.ના ચાર કેસ નોંધાવાની સાથે અત્યારસુધીમાં કુલ ૪૩ કેસ નોંધાયા છે.