દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું: વાપી, ધરમપુરમાં 12 કલાકમાં 15 ઇંચ, 6નાં મોત
વાપી/વલસાડ: સોમવારે રાત્રે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. ધોધમાર વરસાદને કારણે ધરમપુર, ઉમરગામ અને વાપીમાં ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. વાપી અને ધરમપુરમાં માત્ર 12 કલાકમાં 15 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સોમવારે રાત્રીએ આઠથી બીજા દિવસે મંગળવારે સવારે આઠ વાગ્યા સુધીમાં વાપી વિસ્તારમાં 12 ઇંચ જેટલું વરસાદી પાણી પડતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. વાપીમાં તો 24 કલાકમાં 17 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ભાગડાવાડામાં પુરમાં તણાઈ જવાને કારણે એક યુવકનું જ્યારે કલસર ગામમાં વીજ કરંટ લાગતાં બે યુવકનાં મોત નીપજ્યાં હતાં. પાવી જેતપુરની ઓરસંગ નદીમાં તણાઈ જવાની બે યુવક જ્યારે ઉચ્ચ નદીમાં તણાઈ જવાથી 1 યુવકનું મોત થયું હતું.
દમણગંગા કાંઠે 13 ગામોને એલર્ટ
ભારે વરસાદ અને ડેમમાંથી સતત પાણી છોડાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દમણ ગંગા નદી કિનારે 13 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે. જો નદીમાં પુરની સ્થિતિ સર્જાય તો સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.