અમદાવાદ પધાર્યા અમિત શાહ, એરપોર્ટ પર મેળાવડો : CM કોઇપણ બને કિંગ તો શાહ જ રહેશે
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. અમિત શાહ એરપોર્ટથી સીધા હાલ ઘરે પહોંચ્યા છે જે બાદ તેઓ ભાજપ ઓફિસ કમલમ્ ખાતે બેઠકોનો દોર શરૂ કરશે. અમિત શાહ આજે ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે નવા સીએમ મુદ્દે ચર્ચા કરશે જોકે નિર્ણય તો ભાજપ વિધાનસભા પક્ષની શુક્રવારે મળનારી બેઠકમાં જ થશે. પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાંડે શુક્રવારે જ આવવાના છે. એટલે કે નવા નેતાની વરણી થયા બાદ શપથવિધિ પણ એ જ દિવસે થશે.
નીતિન પટેલની CM પદે સંભાવના
બુધવારે ગાંધીનગરમાં બે કેન્દ્રીય નેતાની વિવિધ નેતાઓ સાથે બેઠક પછી જે સંકેત મળ્યા છે તે નીતિન પટેલની CM પદે સ્પષ્ટ સંભાવના દર્શાવે છે પણ આ સંભાવના ભાજપના સ્વભાવ સાથે મેળ નથી ખાતી. પસંદગીના બે દિવસ પહેલાં ભાજપના કોઈ પણ નેતામાં આટલો આત્મવિશ્વાસ હોતો નથી જેટલો નીતિન પટેલમાં દેખાયો. એટલે આ કોઈ વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે. વિજય રૂપાણી પણ પોતાને CM પદની રેસમાંથી ખસેડી રહ્યા છે. તેની પણ જરૂર નહોતી. અમિત શાહના નામ પર વૈંકયાનો ઇનકાર પણ એટલો નાટકીય હતો કે તેનાથી લાગે છે કે તેમના ઇનકારમાં પણ હા છુપાયેલી છે.
આનંદીબહેન સરકારમાં સેકન્ડ ઈન કમાન્ડ રહેલા નિતિન પટેલના હાવ-ભાવ હૂ-બ-હૂ નવા મુખ્યમંત્રી જેવા હતા. પક્ષના પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા સાથે બુધવારે વિજય રૂપાણી અને નિતિન પટેલ સહિત વિવિધ નેતાઓની બેઠક યોજાઈ. બેઠકમાંથી નિકળ્યા બાદ સૌથી વધુ આત્મવિશ્વાસ નિતિન પટેલના ચહેરા પર દેખાયો. સ્પષ્ટ સંકેત પણ મળ્યા કે તેઓ જ ગુજરાતના નવા મુખ્યમંત્રી હશે. મીડિયામાં તેમનો બાયોડેટા પણ મોકલાયો. પરંતુ છાતી ઠોકીને કશું જ કહી શકાય તેમ નથી.
આગળ વાંચો…અમિત શાહ સીએમ નહીં બને: વેંકૈયા નાયડુ, રૂપાણીનો ઈનકાર