પાવાગઢ મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર મુકાયો પ્રતિબંધ, નારિયેળ છોલવા મુકાયું મશીન
પાવાગઢમાં બિરાજમાન શ્રી મહાકાલી માતાજીનો મહિમા ચારેકોર ગવાય છે. પ્રધાનમંત્રી મોદીએ કરેલા સુધારા અને વિકાસ બાદ મંદિર તરફ શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ જ વધી ગઈ છે. શ્રદ્ધાળુઓની ભીડ વધવાના કારણે મંદિર પરિસરમાં ગંદકી પણ વધી હતી જે જોતા પાવાગઢ મંદિર ટ્રસ્ટ એક્શન મોડમાં આવી ગયું છે અને ગંદકી ન ફેલાય તે માટે એક મોટો નિર્ણય લીધો છે. તાજેતરમાં અંબાજી મંદિર બાદ પાવાગઢ મંદિર ટ્રસ્ટે એક નિર્ણય લીધો છે. મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. તો સાથે જ છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન કરાયું છે. સ્વચ્છતા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયો લેવાયો છે. સાથે જ વેપારીઓ પણ જો છોલેલું નાળિયેર વેચશે તો દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરાઈ. આ નિર્ણય આજથી જ પાવાગઢ મંદિરમા અમલી બનશે. મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપ નોટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો છે. જેથી સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો ભક્તોએ પણ તેનો વિરોધ કર્યો હતો. જોકે, હવે યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું છે.પાવાગઢ મંદિરમાં મૂકાયેલુ નારિયેળ છોલવાનું મશીન ઓટોમેટિક છે. જેમાં માત્ર 2 સેકન્ડમાં નારિયેળની છાલ છોલી નાંખશે. જેથી ભક્તોને પણ નારિયેળ ફોલવાની કોઈ તકલીફ નહિ પડે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ આજથી આ નિર્ણયનો અમલ ચુસ્તપણે કરાવશે.