મહેસાણા પાલિકાના કરવેરાના વિરોધમાં 30મીએ વિધાનસભા પાસે ઉપવાસ પર બેસવાની કોંગ્રેસે ચીમકી આપી
મહેસાણા નગરપાલિકા દ્વારા જુદી જુદી સેવા આપવાના વેરામાં ભાવ વધારો 300 ટકાથી વધુ કરવામાં આવ્યો છે. જેનો વિરોધ જતાવી શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વેરો ઘટાડવામાં નહીં આવે તો 30મીના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પ્રતીક ઉપવાસ પર બેસવાની ચીમકી આપી મુખ્યમંત્રીને પત્ર થી રજૂઆત કરી છે.
મહેસાણા નગરપાલિકા દ્વારા નાગરિકોને અને વેપારીઓ ઉપર 300 ટકા જેટલો કરવેરો વધારો ઝીકી દેવામાં આવ્યો છે.મહેસાણા શહેર ગુજરાતના અન્ય શહેરોની જેમ એ ગ્રેડમાં આવતું નથી.એમ છતાં પણ પાલિકા દ્વારા મહાનગરપાલિકા જેટલો તોતિંગ કરવેરો શહેરીજનો પર નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટે કર્યો છે.
વેરો ઘટાડવામાં નહીં આવે તો 30 માર્ચ 2023ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ ના અગ્રણીઓ,નગરસેવક પ્રતીક ઉપવાસ પર બેસવાની ફરજ પડશે આ અંગે કોંગ્રેસ પ્રમુખ મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત સાથે વેરો ઘટાડવાની માંગણી કરી છે.