ઉત્તર ગુજરાતમાં માર્ચના 20 દિવસમાં અનુમાન કરતાં 26 ગણો વધુ કમોસમી વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનાના વિતેલા 20 દિવસમાં મોટાભાગે પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાયા હતા. જેને લઇ ચોમાસા જેવા વાદળો વચ્ચે 2 વખત કમોસમી વરસાદનો રાઉન્ડ આવી ચૂક્યો છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે માર્ચના આ 20 દિવસમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 0.12 મીમી કમોસમી વરસાદ થવો જોઇએ. તેની સામે સરેરાશ 3.14 મીમી વરસાદ પડ્યો છે. એટલે કે, અનુમાન કરતાં 26 ગણો વધુ વરસાદ પડ્યો છે. જિલ્લાદીઠ માવઠાની સ્થિતિ જોઇએ તો, સરેરાશ 0.1 મીમીના અંદાજ સામે મહેસાણા જિલ્લામાં સરેરાશ 2.1 મીમી, પાટણમાં 1.6 મીમી, બનાસકાંઠામાં 5.1 મીમી, અરવલ્લીમાં 3.9 મીમી, જ્યારે સાબરકાંઠામાં સરેરાશ 0.2 મીમીના અંદાજ સામે 3 મીમી વરસાદ પડી ચૂક્યો છે.
અનુમાન કરતાં 26 ગણા વધુ વરસાદના કારણે પાક નુકસાનના કારણે ખેડૂતોની સિઝન છેલ્લી ઘડીએ બગડી છે. ત્યારે કૃષિ વિભાગની 55 ટીમોએ પાક નુકસાનીનો સરવે હાથ ધર્યો છે. જેમાં પાટણમાં 17 ટીમો, મહેસાણામાં 13 ટીમો, સાબરકાંઠામાં 8 ટીમો અને અરવલ્લી જિલ્લામાં 6 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. 3 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થતાં માવઠાથી કેટલું નુકસાન થયું તેનો ખ્યાલ આવી શકશે.
રવિવારે રાત્રે 10 તાલુકામાં વરસાદ
ઉત્તર ગુજરાતના 10 તાલુકામાં રવિવાર રાત્રે 10 થી 12 કલાકની વચ્ચે માવઠું થયું હતું. જેમાં કડીમાં 10 મીમી, ધનસુરામાં 10 મીમી, પ્રાંતિજમાં 8 મીમી, જોટાણામાં 7 મીમી, મહેસાણામાં 6 મીમી, પોશીનામાં 6 મીમી, તલોદમાં 5 મીમી, બાયડમાં 2 મીમી, બહુચરાજીમાં 1 મીમી અને સાંતલપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ઘણાં વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં.