ગાંધીનગરગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે CM ભૂપેન્દ્ર પટેલ 19 થી 21 મે એ 10મી ચિંતન શિબિરનો શુભારંભ કરાવશે

ગાંધીનગર :

જીવનનું કોઈપણ કાર્ય કેમ ન હોય, વિચાર્યા વગર કરી શકાતું નથી. અને જો વિચાર્યા વગર કરી નાખ્યું, તો એનું પરિણામ શું આવશે; એ ચોક્કસ પણે કહી શકાતું નથી. કામ ગમે તેટલું નાનું હોય કે મોટું, ચોક્કસ વિચાર અને વિઝન સાથે કરીએ તો ધાર્યું પરિણામ મળવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. વળી, જો એમાં એક કરતા વધુ લોકોના મંતવ્યો ભળે, અનુભવીઓનું માર્ગદર્શન ભળે, તો પછી તો સોને પે સુહાગા ! આ તો વાત થઈ અંગત જીવનની કે પરિવારની. આવા કિસ્સામાં પોતાની જાત કે પરિવારના સભ્યો સાથે સલાહ સૂચન કરવાનું થાય, જે પ્રમાણમાં સરળ છે. પણ વ્યાવસાયિક કે સામાજિક જીવનની વાત હોય તો ! પ્રમાણમાં સલાહ સૂચન અઘરું છે, પણ એનું મહત્વ ખૂબ વધી જાય છે. એ જ રીતે, જ્યારે વાત આખી સરકારની હોય તો ! એ સરકારની કે જેમના કામથી દેશનો એકે-એક નાગરિક પ્રભાવિત થવાનો હોય. એક ખોટો નિર્ણય લાખો લોકોના જીવનને કષ્ટમય બનાવી દે એમ હોય, કે પછી એક સારો નિર્ણય લાખો લોકોના જીવનને સુખમય બનાવી શકવા સક્ષમ હોય. આવા વખતે વિચારોનું આદાન-પ્રદાન કે મંથન કેટલું મહત્વનું બની જાય એની કલ્પના પણ ન કરી શકાય! જો કે, આવી વિચારગોષ્ઠીનું મહત્વ સમજીને જ તત્કાલીન ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારને મનોમંથન કરવા પ્રોત્સાહિત કરી હતી. એમાંથી જન્મ થયો ચિંતન શિબિરનો. એક એવી શિબિર જેમાં નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ સમસ્યાઓ પર વિચારે, એ વિચારોનું આદાન પ્રદાન કરે, અને એ સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ લાવવા માટેની એક કાર્ય યોજના ઘડી કાઢે. આમ, ચિંતન શિબિર એટલે બીજું કંઈ નહીં, પરંતુ વિકાસ માટેનું સામૂહિક મનોમંથન !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003 માં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ચિંતન શિબિરની શરૂઆત કરાવી હતી. તેમની આ સુશાસન માટેની પહેલને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ૧૯ થી ૨૧ મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો શુભારંભ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવશ્રી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને ર૩૦ જેટલા મહાનુભાવો જોડાશે. આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થવાનું છે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ ૨૦ વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, ૨૦૦૩ માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જેમ, સ્વાગત જેવો ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ અપનાવ્યો છે, એ જ રીતે, ચિંતન શિબિરનું આયોજન એક યા બીજા સ્વરૂપમાં અન્ય સરકારોએ અપનાવ્યું છે. ઓકટોબર 2022 માં કેન્દ્ર સરકારે રાજ્યોના ગૃહ મંત્રીઓની ચિંતન શિબિર યોજી હતી; તો હાલમાં જ 11 મે ના રોજ કેન્દ્રના સામાજિક અને અધિકારિતા મંત્રાલયે પોતાના અધિકારીઓ માટેની ચિંતન શિબિર યોજી હતી. વળી, ૧૭ મે ના રોજ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાના વરિષ્ઠ અધિકારીઓ માટે નવી દિલ્હી ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. જેમ સ્વાગત કાર્યક્રમ કોઈ એક વ્યક્તિની અંગત સમસ્યાનું ત્વરિત સમાધાન આપે છે, એ જ રીતે, ચિંતન શિબિર આખા જન-સમુદાય માટે કોઈ વિષય પર વધુ સારું સમાધાન પૂરું પાડવાની તક આપે છે. આમ, કોઈ પહેલ પોતાના 20 માં વર્ષે પણ ચાલુ હોય અને અન્ય સરકારો દ્વારા પણ અપનાવાઈ હોય, એ વાત જ, એ પહેલ કેટલી સફળ છે અને લોક-ઉપયોગી બની રહી છે તેની ચાડી ખાય છે. રોજબરોજના રાબેતા મુજબના કામમાં વ્યસ્ત રહીને ખાસ મુદ્દાઓ પર લાંબા ગાળાની યોજના બનાવવાનો ક્યારેક સમય રહેતો નથી. વળી, કોઈ એક કાર્યયોજના જે-તે વિભાગના અધિકારીઓ જ બનાવતા હોય છે, તેમાં અન્ય અધિકારીઓ કે તજજ્ઞોનો અભિપ્રાય લેવો પણ અઘરું બની રહેતું હોય છે, ત્યારે આવી ચિંતન શિબિર; આ ખોટને પુરવાનું કામ કરે છે. ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના નિત્યક્રમથી દૂર; સ્વસ્થ ચિતે, ભેગા મળીને કોઈ એક વિષય પર સઘન મનોમંથન કરી શકે છે. આમ, ચિંતન શિબિર કેટલીય ઇનોવેટિવ પહેલની જનક બની શકે; કે જે લોકોને જીવન જીવવાની સરળતામાં (Ease of Living)માં અનેક ગણો વધારો કરી આપે. બની શકે કે વર્ષોથી વણઉકેલાયેલા પ્રશ્નોનું સમાધાન ત્રણ દિવસની ચિંતન શિબિરમાં આવી જાય! રોજબરોજના કામમાં સાઇડમાં રહી જતાં મુદ્દાઓ પર ચિંતન શિબિરમાં મનોમંથન થઈ જાય! અને જેમ સમુદ્રમંથનને અંતે અમૃત મળી આવ્યું એમ ચિંતન શિબિરને અંતે કોઈ ઠોસ સમાધાન મળી જાય!

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x