બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં મચાવી તબાહી
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગુરુવારે સમી સાંજે ટકરાયું હતું. બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થયું હતું. જેના પગલે 15મી તારખી એટલે કે ગુરુવારની રાત કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો માટે ખતરનાક રહી હતી. લેન્ડફોલ થયેલા બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ભારે પવન અને અતિથી અતિભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં ગણું નુકસાન થયું હતું. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. જો બિપરજોય વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો બિપરજોય વાવાઝોડું હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે શુક્રવારે સવારે છ વાગ્યે કચ્છના લખપત અને આજુબાજુના વિસ્તારમાં હતું.
બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા. અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.