‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘ભક્તિમાર્ગ પ્રવર્તક શ્રી રામાનુજાચાર્ય’ વિષય ઉપર ૧૦૨ મું પ્રવચન યોજાયું
માનવતાવાદ, વ્યવહારું તત્ત્વજ્ઞાન અને વૈષ્ણવ-ભક્તિ એ શ્રી રામાનુજની મોટી ભેટ. – પ્રો. પૂ. બ્રહ્મમનનદાસ સ્વામી
શ્રી રામાનુજાચાર્ય ભક્તિ ઉપાસનાનો માર્ગ બતાવી ભક્તિ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું. – સદગુરૂ પૂ. વિવેકસાગરદાસ સ્વામી
‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૬ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત વ્યક્તિવિશેષ વિષયક ‘ભક્તિમાર્ગ પ્રવર્તક શ્રી રામાનુજાચાર્ય’ વિષય પર ૧૦૨માં પ્રવચનનું આયોજન તા. ૨૪-૦૬-૨૦૨3ના રોજ સાંજે ૦૪.૩૦ થી ૦૭.૦૦ સમય દરમ્યાન અક્ષરધામ, હરિમંદિર, સભાગૃહ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે વક્તા તરીકે પ્રો. પૂ. બ્રહ્મમનનદાસ સ્વામી, અધ્યાપકશ્રી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુર તથા વેદાંતાચાર્ય, Ph.D., Litt., અ.પુ, તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા સદગુરૂ પૂ. વિવેકસાગરદાસ સ્વામીએ અધ્યક્ષીય પ્રવચન સહ આશીર્વચનનો લાભ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રવચનમાં ૧૨૦૦ થી પણ વધુ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રો. પૂ. બ્રહ્મમનનદાસ સ્વામીએ ભક્તિમાર્ગ પ્રવર્તક શ્રી રામાનુજાચાર્ય વિષયક વાત કરતાં જણાવ્યું હતું કે, રામાનુજાચાર્યના સંપ્રદાયને શ્રીસંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયની પરંપરામાં બે પ્રકાર છે. આલવારો અને આચાર્ય. ઈ.સ. પૂર્વ 4200 થી 2700 માનવામાં આવે છે. આલવાર એટલે પરમાત્માની ભક્તિમાં નિમગ્ન સંત ભક્ત-મહાત્મા. આલવારોએ ભક્તિપદની રચના કરેલ છે. તેને દિવ્યપ્રબંધ કહેવામાં આવે છે. તેમાં 12 આલવારો થઈ ગયા. તેમને વૈદિક પરંપરાની સેવા કરી તમિલ ધર્મગ્રંથોનો ઉદ્ધાર કર્યો. આલવારો પછી આચાર્ય પરંપરા શરૂ થાય છે. તેમની વિશેષતા એ છે કે તેમને સંપ્રદા.ના પ્રવર્તન અને રક્ષણ માટે પુરુષાર્થ કર્યો. મુખ્ય ત્રણ આચાર્યોમાં નાથમુનિ, યમુનાચાર્ય અને રામાનુજાચાર્ય. રામાનુજાચાર્યના ગુરુ યમુનાચાર્ય હતા. યમુનાચાર્યના ચાર પુત્ર હતા. યમુનાચાર્યએ પાંચ શિષ્યોને વિદ્યાદાન કરેલું કર્યું. તેમને 6 ગ્રંથોનું લેખન કરેલ છે.
રામાનુજાચાર્ય નું જન્મ પેરુંગબદરમાં થયો હતો. જન્મનું નામ લક્ષ્મણ હતું પછી તેમને લક્ષ્મણનો અવતાર તરીકે જાણીતા થયા અર્થાત શેષજીનો અવતાર કહેવાય. પછી રામાનુજાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા. જન્મનું સ્થાન છોડી કાંચીપુરમમાં રહી અભ્યાસ કર્યો યાદવપ્રકાશનાનમા વિદ્વાન જોડે પૂર્વ મીમાંસા વગેરેનો અભ્યાસ કર્યો, ત્યારબાદ વેદાંતનો અભ્યાસ શરૂ કર્યો. ઉપનિષદના શબ્દોનાં નવા-નવા અર્થો કરતાં ગુરુ-શિષ્ય વચ્ચે દ્વેષભાવ જાગૃત થયો અને તેમને મારવાનું ષડયંત્ર રચ્યું. પરંતુ ભગવાને રક્ષા કરી. એવું ષડયંત્ર રચાયેલું તેમ છતાં ગુરુ પ્રત્યે કોઈ દ્વેષભાવ ન્હોતો. તે પ્રસંગમાં તેમનો દાસ ભાવ જોવા મળે છે. આ વાત સાંભળી તેમની માતાને પણ ઘણું દુઃખ થયેલું . શ્રીરામાનુજાચાર્યના પવિત્ર અને અભૂતપૂર્વ વ્યક્તિત્વ, પ્રતિભાશાળી અને લોકોત્તર જીવનની વાતો ચારે બાજું ફેલાયેલી. રામાનુજાચાર્યને શ્રીરંગમ્ લાવવા યમુનાચાર્યએ મહાપૂર્ણ સ્વામીને કાંચીપુરમ મોકલ્યા. તેમને દેહત્યાગ કરતાં પહેલાં (1) બ્રહ્મસુત્ર ઉપર શ્રીભાષ્ય લખવું (2) શ્રીમત્પરાશરમુનિનો ઉપકાર જાણી શિષ્યનું પરાશર મુની નામ રાખવું અને (3) શ્રી આલવાર શ્રીપરાકુશમુનિનું નામ રાખવું. ગુરુની ઇચ્છાનુસાર આ ત્રણેય કાર્ય કરવા પ્રતિજ્ઞા કરી. ગુરુના દેહત્યાગ પછી મહાપૂર્ણ સ્વામી પાસે દીક્ષા લીધી. જુદી-જુદી વિદ્યાના ઉપદેશનું ગ્રહણ કર્યો.
ત્યારબાદ રામાનુજાચાર્ય તેમના પત્નીના સુત- અસુતના વર્તનને કારણે તેમણે ગૃહત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કર્યો. તેમને કાંચીમાં વરદાજ મંદિરમાં નિવાસ કર્યો તેમનો પ્રથમ શિષ્ય કૂરેશ હતા. બીજા યાદવપ્રકાશ શિષ્ય થયા. લોક કલ્યાણ માટે ગુરુમાં વચનને અવગણીને લોકકલ્યાણ માટે મંત્ર આપ્યો અને પોતાના ગુરુને આપેલા ત્રણ વચન પૂર્ણ કર્યા તેમણે શ્રીભાષ્ય, ગીતા ભાષ્ય વગેરે ગ્રંથોની રચના કરી.
11મી સદીમાં તેમની ભક્તિ પરંપરા, તેમના પ્રંચડ કાર્યનો એવો પ્રબળ પ્રભાવ પડ્યો કે તે સમયથી વિશિષ્ટાદ્વૈત મત અને શ્રી રામાનુજ મત એકમેકના પર્યાય બની ગયા. 120 વર્ષનું દીર્ધાયુ આયુષ્ય ભોગવી પરમપદ પામી પૃથ્વી પર વસતા અધ્યાત્મના લાખો ચાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું અને લોકોમાં સનાતન ધર્મને ફરીથી સન્માનિત કર્યો.
તેમને ભગવાન વિષ્ણુનાં મંદિરો બંધાવ્યા. 120 વર્ષમાં તેમને મહાન ભક્તોની મૂર્તિઓ પધરાવી. તેમનામાં ઉદારતા અને ભક્તિ જોવા મળે છે. વિશિષ્ટાદ્વૈત વૈષ્ણવ સિદ્ધાંતનું સ્થાપન કરી, ભક્તિ પ્રત્યેની આસ્થાને જ્ઞાનની ભૂમિકા પર સ્થાપી, હિંદુ ધર્મની સંગીનતા સમજાવી લોકોને ધર્માભિમુખ રાખવાનું ભગીરથ કાર્ય કર્યું, ગહન તત્ત્વજ્ઞાનને ભક્તિમાર્ગમાં ઢાળીને સરળ, લોકભોગ્ય અને રસપ્રદ બનાવ્યું, મનુષ્યોની સમાનતા પર ભાર મૂક્યો. માનવતાવાદ, વ્યવહારું તત્ત્વજ્ઞાન અને વૈષ્ણવ-ભક્તિ એ શ્રી રામાનુજની મોટી ભેટ.
તેમને આગળ વાત કરતાં જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે પણ રામાનુજાચાર્યને આદર આપેલો છે. તેઓ રામાનુજાચાર્યના બધા મુખ્ય તીર્થમાં પધારી તીર્થત્વ આપેલ છે. ઘણી વખત રામાનુજાચાર્ય વિરચિત શ્રીભાષ્ય, ગીતા ભાષ્ય સાંભળતા. વેદાંતના સાત દર્શનનો પ્રસિદ્ધ છે. વેદાંતના દર્શનમાં ગુરુ પરંપરા નો સ્વીકાર કરવામાં આવે છે. તેમાં સમાનતાનાં દર્શન થયા છે. સાથે સાથે અક્ષરપુરુષોત્તમ દર્શન અને વિશિષ્ટાદ્વૈત દર્શન બંને દર્શનો અમુક અંશે સમાન છે અને વિલક્ષણ પણ તેની વાત કરી હતી.
સદગુરૂ પૂ. વિવેકસાગરદાસ સ્વામીએ અધ્યક્ષીય પ્રવચન સહ પ્રસંગોચિત વાત કહેતાં જણાવ્યું હતું કે, વૈષ્ણવ આચાર્યો અને આલવારોએ વૈષ્ણવ ભક્તિ-સંપ્રદાય સ્થાપવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ કોઇ એવા પ્રબળ તત્વજ્ઞાનની પણ જરૂર હતી જે વેદાંતને મિથ્યાવાદથી તાત્વિક દૃષ્ટિએ બચાવે. એ ધ્યેય લઈને શ્રી રામાનુજ આવ્યા. એક તરફ મીમાંસકોનો કંટાળાજનક નીરસ કર્મકાંડ સાથે બૌદ્ધ ધર્મનો પ્રસાર વધતો ગયો તેવા સમયમાં શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ થયો અને હિંદુ ધર્મને વ્હારે આવ્યા. ભાષ્યો રચિ અદ્વૈત સંપ્રદાયની સ્થાપના કરી. ત્યારબાદ શ્રી રામાનુજાચાર્ય ભક્તિ ઉપાસનાનો માર્ગ બતાવી ભક્તિ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપના કરી, બ્રહ્મસૂત્ર અને ગીતા ભાષ્યની રચના કરી ભક્તિની ઉપાસનાને વેગ આપ્યો અને સૌને પ્રેમરસમાં ભીના કર્યાં.
રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત દર્શન અને અક્ષરપુરુષોત્તમ દર્શન વચ્ચેની વિલક્ષણતાની વાત કરી બંને જુદા છે તેવી વાત કરી રામાનુજાચાર્યનો શરીર-શરીરીનો મત સ્વામિનારાયણ ભગવાન સ્વીકારેલો. માનવતાવાદની વાત સ્વીકારેલી તેના આધારે ચિન્નાજીયર સ્વામીએ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી સ્થાપના કરેલ. ભક્તિમાર્ગના પ્રથમ પ્રવર્તક તરીકે રામાનુજાચાર્ય નામ પ્રસિદ્ધ છે તેવી વાત કરી પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી 103માં સામાજિક સમસ્યા વિષયક પ્રવચન ‘“Parenting in the age of social media” (સોશિયલ મીડિયાના યુગમાં બાળ ઉછેરની પદ્ધતિ)’ ની રૂપરેખા બીએપીએસ બાળપ્રવૃત્તિ કૉ-ઓર્ડિનેટર પ.ભ. યતીનભાઈ માવાણીએ આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. જયેશભાઈ માંડણકાએ કર્યું હતું. છેલ્લે પ.ભ. વાડીલાલ ઠક્કરે શાબ્દિક આભારવિધિ કરી હતી.