ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતી કરનારાઓને જેલમાં ધકેલો : અમિત ચાવડા

ગાંધીનગર :

ગુજરાતમાં કમીશન સરકાર, હાડમારી અને હાલાકી ભોગવતી પ્રજા… માનસિક અને આર્થિક નુકસાન ભોગવતી જનતા

ગુજરાતની જનતા, ટેક્ષ ના પૈસા સુવિધા અને વિકાસ કાર્યો માટે આપે છે નહિ કે મંત્રીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના ખિસ્સા અને ઘર ભરવા

ગુજરાતના તમામ બ્રીજની ચકાસણી કર્યાના ફિટનેસ સર્ટીફીકેટ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવો, બ્રીજ ઉપર બોર્ડ મારીને તે બન્યાની તારીખ, ટેન્ડરની વિગતો, ફિટનેસ સર્ટીફીકેટ વગેરે જાહેર કરવાની માંગ

ભાજપના કાર્યાલય કમલમ પર કમીશનની રકમ પહોંચે પછી જ પાસ કરવામાં આવતા ટેન્ડરો, કમીશનની આ ભ્રષ્ટાચારી સીસ્ટમ આખા ગુજરાતમાં બેફામ રીતે ધમધમે છે

આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં *ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા* એ ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર પર કરેલા આકરા પ્રહારો અંતર્ગત જણાવ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એન્જીનીયર અને બિલ્ડર રહી ચુક્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેમને ટાઉન પ્લાનિંગથી લઈને બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ છે. તેમ છતાં આજે ભાજપના ત્રણ દાયકાના શાસન પછી પણ રસ્તા, બ્રિજો, કેનાલો, કોઝવે ની હાલત શું છે? એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી. ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રિજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભુવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થઇ રહ્યો છે.

હાલમાં જ મોરબીમાં થયેલી દુખ:દ ઘટનામાં જે બ્રીજ તુટ્યો તેમાં ૧૩૫ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, તાપી જીલ્લામાં મીઢોળા નદી પર બનાવેલો બ્રીજ તુટ્યો, સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે બનેલા અન્ડરપાસ બ્રિજમાં ગાબડા પડ્યા, સાથેસાથે સુરતમાં બીજા એક બ્રિજનો સ્લેબ તુટ્યો, અમદાવાદની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો એ આપણે સૌ જાણીએ છીએ, આખો બ્રીજ તોડી પાડવાના આદેશો કરવા પડ્યા, વડોદરામાં અટલ બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ, સાબરમતી નદી ઉપર ૭૫ કરોડના ખર્ચે બનાવેલા અટલ બ્રીજ પરના ગ્લાસ પર પણ તિરાડ પડી જેને મોદીજીના હાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આવા અનેક દાખલા આપણી સામે મોજુદ છે. આની સાથે રથયાત્રાના દિવસે માન. ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે જેનું ઉદ્ઘાટન થયું એ ગોતા-જગતપુર બ્રીજ નીચેના રસ્તા પણ બેસી ગયા.

આજે સવાલ એ થાય છે કે આ બ્રીજો તૂટે છે કેમ, રસ્તામાં ખાડા પડે છે કેમ, ગાબડા પડે છે કેમ, ભુવા પડે છે કેમ? આનું એક જ કારણ છે કે આ કમીશનવાળી સરકાર છે. પ્રિ-મોન્શુન ના નામે સરકાર જાહેરાતો કરે છે, કાગળ પર આયોજનો કરે, વારંવાર મીટીંગો થાય, કરોડો રૂપિયાનો ખર્ચ થાય, મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓ વારંવાર આની સમીક્ષા કરે પણ એક વરસાદ પડે એટલે આ બધું ધોવાઇ જાય. ચારે તરફ તૂટેલા રસ્તા અને એમાં પડેલા ભુવા, બ્રીજ, કેનાલ, કોઝવે તૂટી જાય અને એના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી જાય, લોકોની માલ-મિલકતને નુકસાન થાય ત્યારે સરકાર ફક્ત સમીક્ષા કરતી રહી જાય છે. ચારેબાજુ બેફામ બાંધકામ થાય છે, જૂની બાંધકામ પોલીસી છે પણ બી.આર.ટી.એસ જેવા વણવિચાર્યા પ્રોજેક્ટોને કારણે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા થતી નથી. જ્યારે ગેરકાયદેસર દબાણ દુર કરવાનું આવે છે ત્યારે નાના ઝુંપડા તોડવામાં આવે છે પણ મોટા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો તોડવામાં નથી આવતા, તેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. 

અમદાવાદ સહીત તમામ કોર્પોરેશનમાં કમીશન અને ભ્રષ્ટાચારવાળી સીસ્ટમ ચાલે છે. કોઈપણ ટેન્ડર નક્કી થતા પહેલા ભાજપના કાર્યાલય કમલમ પર ઓફિસીયલી રીતે નક્કી કરેલી કમીશનની રકમ ના પહોંચે ત્યાં સુધી ટેન્ડર નક્કી કરવામાં નથી આવતું. અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના એક હોદ્દેદાર ધર્મેન્દ્રભાઈ દરેક કામની ટકાવારી નક્કી કરે અને એ મુજબની રકમ કમલમ કાર્યાલયમાં પહોંચે ત્યાર પછી ત્યાંથી ફોન આવે અને ટેન્ડર નક્કી થાય છે. આજ રીતે બધા કોર્પોરેશન, તમામ જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ભાજપના નક્કી કરેલા લોકો દ્વારા નક્કી કરેલી રકમ ના પહોંચે ત્યાં સુધી ટેન્ડર પાસ કરવામાં નથી આવતા.

જે ટેન્ડરોમાં કામ શરુ કરતા પહેલા જ કમીશન લેવાઈ ગયું હોય એ કંપનીઓ પાસે, એજન્સીઓ પાસે, કોન્ટ્રાકટરો પાસે ગુણવતાની આશા ક્યાંથી રાખી શકાય? આવી એજન્સીઓને સરકાર ફક્ત બ્લેક લીસ્ટ કરીને સંતોષ માને છે પણ બ્લેક લીસ્ટ કરે એટલે નવા નામથી એ જ એજન્સીવાળા નવું રજીસ્ટ્રેશન કરાવીને ફરીથી નવું ટેન્ડર ભરીને કામ લઇ જાય છે, આ રીતે સરકારના માનીતા કોન્ટ્રાકટરો ને ટેન્ડર ની લ્હાણી કરવામાં આવે છે.

પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે અમારી સરકાર માં ચારે તરફ ભ્રષ્ટાચાર છે અને એમાં સૌથી પહેલો નંબર મહેસુલ વિભાગનો અને એ પછી ગૃહ વિભાગનો નંબર આવે છે. પણ અત્યારે જે રીતે બાંધકામની વ્યવસ્થાઓ આખા ગુજરાતમાં ચાલે છે એ જોતા અત્યારે રોડ અને બિલ્ડીંગ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ ક્યાય પાછા પડે એમ નથી. હાલમાં જ છોટા ઉદેપુરના સાંસદ બેને જાહેરમાં સ્વીકાર્યું કે આ સરકારમાં કમીશન આપ્યા વગર કોઈ કામ થતા નથી.

આ પરિસ્થિતિ જોતા શ્રી અમિતભાઈ ચાવડા એ સરકાર પાસે માંગણી કરી કે ગુજરાતના નાના-મોટા ૩૫૦૦૦ બ્રીજની ચકાસણી કર્યાના ફિટનેસ સર્ટીફીકેટ ગુજરાતની જનતા જોઈ શકે તે રીતે વેબસાઈટ પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવો, સાથસાથે બ્રીજ ઉપર બોર્ડ મારીને તે બન્યાની તારીખ, ટેન્ડરની વિગતો, ફિટનેસ સર્ટીફીકેટ વગેરે જાહેર કરો. જેથી લોકોને કોઈ ભય ના રહે.

આ સાથે જે એજન્સી કે કોન્ટ્રાકટરોએ મટીરીયલમાં કે કામમાં ગેરરીતી કરી હોય તેને બ્લેક લીસ્ટ કરો અને ફરીથી તે કંપની કોઈપણ રસ્તા, બ્રીજ, કોઝવે વગેરેનું કામ ના લઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરો અને જે તે પ્રોજેક્ટમાં થયેલા નુકસાનની રીકવરી પણ તેમની પાસેથી કરો. સાથેસાથે આ પ્રક્રિયા માટે કામ કરનારા તમામ અધિકારીઓ ની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ જેથી કરીને એમની મિલીભગતના કારણે ગુજરાતની પ્રજાને હાલાકી ના ભોગવવી પડે.

અત્યારે ચાલતા બાંધકામ ક્ષેત્રના તમામ કામની વિગતોની કોપી ગુજરાત સરકારની વેબસાઈટ પર મુકવામાં આવે અને તેમાં કામ કરતા કોન્ટ્રાકટરોની પાછલી વિગતો પણ મુકવામાં આવે. ગેરરીતી કરનારા કોન્ટ્રાકટરો અને એજન્સીઓ ઉપર દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા અને જવાબદાર લોકોને જેલમાં નાખવાની માંગ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x