ભારતીય Passportની તાકાત વધી, 57 દેશોમાં વીઝા વગર જઈ શકશે ભારતીયો
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સે વર્ષ 2023 માટે પાસપોર્ટ રેન્કિંગની યાદી બહાર પાડી છે. આ યાદીમાં સૌથી ઉપર સિંગાપુરનું નામ છે જે દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ છે. સિંગાપોરે જાપાનને હરાવીને આ તાજ હાંસલ કર્યો છે. સિંગાપોરના પાસપોર્ટ દ્વારા કુલ 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકાય છે. બીજી તરફ ભારતીય પાસપોર્ટની રેન્કિંગની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં તેમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં તેમાં કુલ પાંચ સ્થાનનો સુધારો થયો છે અને તે 80માં સ્થાને પહોંચી ગયો છે.
ભારતીય પાસપોર્ટે આ વર્ષે તેની રેન્કિંગમાં પાંચ સ્થાનનો સુધારો કર્યો છે અને તે 80માં સ્થાને પહોંચી ગયો છે. આ સાથે ભારતીયોને વિશ્વના 57 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. નોંધનીય છે કે ભારતની સાથે ટોગો અને સેનેગલ જેવા દેશોના નામ પણ આ યાદીમાં 80માં સ્થાને છે.હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 અનુસાર, જાપાન સતત પાંચ વર્ષ સુધી ટોચ પર રહ્યા બાદ હવે ત્રીજા નંબરે સરકી ગયું છે. તેની પાછળનું કારણ એ છે કે દેશના વિઝા મુક્ત દેશોની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યાં સિંગાપોરના નાગરિકો કુલ 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે, જ્યારે જાપાનના નાગરિકો કુલ 189 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે. આવી સ્થિતિમાં વિઝા ફ્રી એન્ટ્રીમાં ઘટાડા પછી જાપાનનો પાસપોર્ટ આ રેન્કિંગમાં નીચે આવી ગયો છે અને ત્રીજા સ્થાને આવી ગયો છે. આ સાથે જ અમેરિકાનો પાસપોર્ટ પણ પહેલા કરતા નબળો પડી ગયો છે અને તે આઠમા સ્થાને સરકી ગયો છે. અમેરિકન પાસપોર્ટ દ્વારા તમે વિશ્વના કુલ 184 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકો છો.