ગાંધીનગર

ગાંધીનગર મનપાના સફાઈ કર્મીઓની 5 માર્ચથી હડતાલ

ગાંધીનગર
શહેરમાં સંપૂર્ણ સફાઇની વ્યવસ્થા ગોઠવવા માટે મહાપાલિકાના અધિકારીઓ રીતસર પરસેવો પાડી રહ્યાં છે અને પ્રજાના કરની આવકના લખલૂંટ નાણા પણ ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે સફાઇના મુદ્દે સંકટ સર્જાવાના એંધાણ મળી રહ્યા છે. સફાઇ કામદારોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નહીં પરંતુ કાયમી કર્મચારી તરીકે રાખવાની માગણી સાથે આગામી તારીખ 5મી માર્ચથી હડતાલ પાડવાનું એલાન વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા અપાયું છે.

આ મુદ્દે કમિશનરને આવેદન પત્ર પાઠવીને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની માગણીઓ વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ કર્મચારી સંગઠનમાં પણ તડાં પડ્યા હોય તેમ ગાંધીનગર અમદાવાદ શહેર સફાઇ કામદાર યુનિયનના કન્વીનરે રાજીનામુ આપી દીધું છે.

યુનિયન દ્વારા જ સફાઈ કામદારોના અધિકાર બાબતે મક્કમ પગલાં નહીં લેવાતા હોવાની વાત નવી રહી નથી. પરિણામે ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના કન્વીનર પદેથી ગૌવિંદભાઈ ચૌહાણે યુનિયનના પ્રમુખને સોંપેલા રાજીનામામાં કહ્યું છે કે, વાલ્મિકી સમાજના ભાગલા પાડવાની પ્રવૃત્તિ બંધ થવી જોઇએ અને સફાઈ કામદારોના શોષણનું કામ થતું હોવાથી તેમણે આ પગલું ભર્યુ છે. બીજી બાજુ મહાપાલિકામાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી આઉટસોર્સિંગમાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આઠ કર્મચારીઓએ ભરતી પ્રક્રિયા સામે રોષ વ્યક્ત કર્યો છે.

આ મુદ્દે કરાયેલી રજૂઆતમાં મ્યુનિસિપલ કમિશનરને જણાવાયું છે કે, તાજેતરમાં 16 સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની નિયમિત નિમણૂક માટે જાહેરાત અપાઈ તેમાં લાયકાતમાં ગ્રેજ્યુએશન નિયત કરાયું છે. પરંતુ સેનેટરી ઈન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્ષ 12મું ધોરણ પાસ કર્યા પછી થાય છે. આ સંજોગોમાં ગ્રેજ્યુએટ ન હોવાના કારણે આઉટસોર્સિંગના 8 સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાથી વંચિત રહ્યાં છે. તેમણે પણ સરકારી નિયમ પ્રમાણે પાછલા પાંચ વર્ષથી દર વર્ષે ૨૪૦ દિવસ કરતાં વધુ સમય સતત ફરજ બજાવી હોય કાયમી કરવાની માંગ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x