પાકિસ્તાન સાથેના ટેન્શનથી શું લોકસભા ચૂંટણીના કાર્યક્રમ પર અસર પડશે ?
નવી દિલ્હી:
ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા બાદથી દેશમાં હાલ તણાવનો માહોલ છે. ખાસ કરીને ભારતના જવાબી હુમલાથી સરહદ પર વાતાવરણ તંગ બન્યુ છે. વર્તમાન હાલતને જોતા એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં આવા સંવેદનશીલ વાતાવરણમાં ચૂંટણીના કાર્યક્રમો પર અસર પડશે? શું લોકસભા ચૂંટણી મોડી થશે? આ સવાલ પર ભારતનાા ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. તાજેતરમાં મુંબઇની મુલાકાતે આવેલા ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર અશોક લવાસાએ જણાવ્યુ કે અમે અમારી ફરજ બજાવવા બંધારણીય રીતે બંધાયેલા છીએ. જો કે 14 ફેબ્રુઆરીના રોજ થયેલી પુલવામાની ઘટનાને લઇને ચૂંટણી પંચ પરિસ્થિતીઓ પર ધ્યાન આપી રહ્યું છે.
મુંબઇ પત્રકારોને સંબોધિત કરતા ચૂંટણી પંચના કમિશનર અશોક લવાસાએ કહ્યું કે ચૂંટણી પંચ દરેક ઘટનાક્રમ પર બારીકાઇથી નજર બનાવીને જોઇ રહ્યું છે નોંધનીય છે કે લવાસા મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યમાં બે દિવસના પ્રવાસે આવ્યા હતા. અશોક લવાસાએ જણાવ્યું કે અમે બે દિવસ સુધી મહારાષ્ટ્રમાં ચૂંટણી તૈયારીઓને લઇને સમીક્ષા કરી હતી. અમે બધા રાજનીતિક પાર્ટીઓ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી અને પોલીસ સહિત ચૂંટણીમાં સહયોગ કરનારી નોડલ એજન્સીઓ સાથે પણ બેઠક કરી હતી. બોગસ મતદારો પર અશોક લવાસાએ જણાવ્યું કે અમે 15 દિવસમા આ બાબતનો ઉકેલ લાવીશું. મહારાષ્ટ્રમાં કુલ 95,473 પોલિંગ સ્ટેશન છે. વધુમાં લવાસાએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પહેલી વખત બધા ઇવીએમ સાથે વીવીપૈટ જોડાયેલા રહેશે.