વરસાદ બાદ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે.
ઓગસ્ટના 12 દિવસમાં જ શહેરમાં ડેન્ગ્યુના 243, સાદા મેલેરિયાના 70 કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. થલતેજ, ચાંદલોડિયા, સરખેજ, ગોતા, લાંભા સહિતના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ નોંધાયા છે.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં ભારે વધારો નોંધાયા છે. ઓગસ્ટના 12 દિવસમાં સાદા મેલેરિયાના 70, ડેન્ગ્યુના 243, ઝેરી મેલેરિયા તથા ચિકનગુનિયાના 5-5 કેસ નોંધાયા છે.