સપ્તાહના અંતમાં ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ થશે ઓવરફ્લો
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે. આ સાથે ઉપરવાસમાં પણ વરસાદ પડવાના કારણે વિવિધ ડેમમાં પાણીની આવકો વધી રહી છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 120.53 મીટર પહોંચી ગઈ છે. ભારે વરસાદના પગલે ડેમમાં 77234 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીના બચત સંગ્રહમાં 17915 ક્યૂસેકનો વધારો થતા જાય છે. નિષ્ણાતોનું માનવું છેકે નર્મદા ડેમ આ સપ્તાહના અંત સુધીમાં છલકાઇ જશે.
આ ઉપરાંત મહિસાગ કડાણા ડેમ પણ છલકાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. કડાણા ડેમ ભરાશે તો 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. ડેમમાંથી પાણી છોડાય તો લુણઆવાડા-અમદાવાદ હાઇવે બંધ થશે જ્યારે દાહોદ-મોડાસા હાઇવે પણ બંધ થશે.
નર્મદા બંધ ઓવરફ્લો થાય તેની પ્રવાસીઓ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે અને 10મી ઓગષ્ટ પહેલા નર્મદા બંધ ઓવર ફ્લો થાય તેવી શક્યતા ઉભી છે ત્યારે નર્મદા બંધ પર પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્યપ્રદેશના તવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં સરદાર સરોવરમાં ઉપરવાસથી 44790 ક્યુસેક પાણી છોડાયું હતું. જેને પગલે 1200 મેગાવોટ રિવરબેડ પાવરહાઉસનાં 6 યુનિટ ચાલુ કરાયા હતું. રિવરબેડ પાવરહાઉસના 250 મેગાવોટના 4 યુનિટ ચાલુ કરી દેવાયા છે.