પત્રકારો પાસે ચીનના પૈસા?: પીએમ કેર ફંડમાં પણ ચીનના પૈસા : હેમંતકુમાર શાહ
*પત્રકારો પાસે ચીનના પૈસા?: પીએમ કેર ફંડમાં પણ ચીનના પૈસા*
ગઈ કાલે દિલ્હીમાં ‘ન્યૂઝક્લિક’ નામના પોર્ટલ અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારોને ત્યાં પોલિસે દરોડા પાડ્યા, તેમની પૂછપરછ થઈ અને કેટલાકની ધરપકડ પણ થઈ.
આરોપ એવો છે કે આ પોર્ટલ અને/અથવા આ પત્રકારો ચીનમાંથી પૈસા મેળવે છે. ચોક્કસ તેની તપાસ થાય હવે અને જો કોઈ ગુનો સાબિત થાય તો ગુનેગારને સજા પણ થાય.
પણ આ તો હજુ આરોપ છે. સાબિત થાય ત્યારે ખરો. હા, યાદ રહે કે, ભીમા કોરેગાંવ કેસમાં એક વ્યક્તિને તે દેશદ્રોહી છે એવું સાબિત કરવા તેના લેપટોપમાં એ જપ્ત કરાયા બાદ વાંધાજનક સામગ્રી ઘૂસાડી દેવાઈ હતી. હેકર દ્વારા બધું થઈ શકે એ તો સૌ જાણે જ છે. એટલે અત્યારે જે પત્રકારોનાં લેપટોપ કે ફોન જપ્ત કરાયાં છે તેમાં આવું કશું નહિ થાય અને તેને આધારે તેમને દેશદ્રોહી સાબિત નહિ કરાય એવું ખાતરીપૂર્વક કહી શકાય નહિ. કોઈ પણ વિરોધીને, સવાલ ઉઠાવે તેને, દેશદ્રોહી કહેવું એ જ એકમાત્ર દેશભક્તિ આજકાલ બચી છે!
સવાલ એ છે કે ચીનના પૈસાથી આટલો બધો ગભરાટ કેમ? તેની સાથે વેપાર તો બરાબર થઈ રહ્યો છે. આયાત અને નિકાસ અરુણાચલ પ્રદેશ અને લદાખની માથાકૂટ છતાં રોજેરોજ ચાલુ જ છે.
વળી, ચીની કંપનીઓના પૈસા નરેન્દ્ર મોદી પોતે વાપરે છે, કારણ કે પીએમ કેર ફંડના વડા તેઓ પોતે છે. જો કે, એ દેશના કલ્યાણ માટે જ હોઈ શકે કારણ કે એ મોદી વાપરે છે!
તા.29-06-2023ના રોજ ‘ધ વાયર’ નામના એક પોર્ટલ દ્વારા પ્રસિદ્ધ એક લેખમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ચીની કંપનીઓએ પીએમ કેર ફંડમાં કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. તેની કંપનીવાર વિગતો નીચે મુજબ છે:
(1) ટિક ટોક ₹ 30 કરોડ.
(2) ઝાઓમી ₹ 10 કરોડ.
(3) વન પ્લસ ₹ 1 કરોડ.
(4) હુઆવેઇ ₹ 7 કરોડ.
આ અહેવાલને આધારે કોંગ્રેસ દ્વારા પણ એ જ આક્ષેપ કરાયો હતો કે ચીની કંપનીઓએ પીએમ કેર ફંડમાં દાન આપ્યું છે. જો કે, ભાજપના મોદીઓ દ્વારા કોઈ બદનક્ષીનો કેસ આ મામલે કોંગ્રેસ સામે થયો હોવાનું જાણમાં આવ્યું નથી. જો આ ખોટું હોય તો તો પૂર્ણેશ મોદી જેવા મોદીઓ ઊભા થઈ જ ગયા હોત.
યાદ રહે કે પીએમ કેર ફંડમાં કેટલું દાન આવ્યું અને ક્યાં ખરચાયું તેનો કોઈ હિસાબ સંસદમાં કે માહિતી અધિકાર કાયદા હેઠળ આપવામાં આવતો નથી. આ ફંડ કોરોના કાળ દરમ્યાન જ ઊભું કરવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણપણે એક ખાનગી ફંડ છે કે જેને લોકો સરકારી ફંડ સમજે છે અને એના પૈસા ક્યાં વપરાય તે નરેન્દ્ર મોદી પોતે જ નક્કી કરે છે કારણ કે તેઓ એના વડા છે.
હવે માની લો કે પત્રકારો કે પોર્ટલ દ્વારા ચીની પૈસા મેળવાયા તે છિનાળું કહેવાય અને મોદી ખુલ્લમખુલ્લા, ના, ના, છાનામાના, ચીની કંપનીઓ પાસેથી દાન લે તે શું કહેવાય?
– હેમંતકુમાર શાહ તા.04-10-2023