મેટ્રો અને સરકારી નોકરી આપવાની લાલચ આપી ઠગાઇ કરતા મૌલિકની ધરપકડ
અમદાવાદ:
સરકારી સચિવાલયમાં અને સીબીઆઇ ઓફિસર તરીકે ઓળખ આપી લોકોને નોકરી અપાવવાની લાલચ આપી લાખોનો ચુનો લગાવનાર મૌલિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં તેની સામે 5થી વધારે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે નવા નરોડામાં રહેતો મૌલીક અને તેની પત્ની ભુગર્ભમાં જતાં રહ્યા હતાં. આ બંન્ને જણા કેસ પતાવી આપવા તો કોઇને સરકારી નોકરી લગાવી આપવાના નામે ચુનો લગાવતા હતા.
ટુકડે ટુકડે 3.60 લાખ લીધા
અરવલ્લી મોડાસાના કિશોરપુરા ગામે રહેતા જીતેન્દ્ર શંકરભાઇ પટેલ ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. જીતેન્દ્રભાઇ દોઢ વર્ષ અગાઉ નવા નરોડા આશિર્વાદ એવન્યુમાં રહેતા મૌલિક અને તેની પત્ની હેતલ સાથે મુલાકાત થઇ હતી. તેમને સચિવાલયમાં મુખ્ય માણસ તથા મેટ્રો એન્જીનીયર કમ કોન્ટ્રાકટર તરીકે ઓળખ આપી હતી. તેથી જીતેન્દ્રભાઇના શાળા પ્રાંજલ દિલીપ પટેલને મેટ્રો પ્રોજેક્ટમાં જુનીયર એન્જીનીયર તરીકે નોકરી અપાવવાની વાત કરી હતી. જેમાં 5.50 લાખ ખર્ચ થશે તેમ જણાવ્યુ હતુ. નોકરી મેળવવાની લાલચમાં મૌલીકને ટુકડે ટુકડે 3.60 લાખ આપ્યા હતા પરંતુ તેને નોકરી મળી ન હતી.
મેટ્રોમાં નોકરી અપાવવાની લાલચ આપી
અન્ય ફરિયાદ મોડાસાના જ ડુંગરવા ગામના કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલના મોટા પુત્ર સુજલભાઈનો સંપર્ક તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિક સાથે થયો હતો. કમલેશ પટેલને પણ મૌલિકે ઓફિસરની ઓળખ આપી હતી. કમલેશભાઇનાં પુત્રને મેટ્રોમાં નોકરી અપાવવાની વાત કરી હતી. મેટ્રોમાં કામ અથવા નોકરી અપવવાની લાલચ આપી 7 લાખની માંગણી કરી હતી. જેમાંથી કમલેશ પટેલે ધીરે ધીરે 5.60 લાખ આપ્યા હતા. બાદમાં મૌલીક અને તેની પત્ની હેતલ ક્યાંક ભાગી જતા આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.