ગુજરાતે સતત 4વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું
પ્રધાનમંત્રી મોદીએ ૧૬ જાન્યુઆરી-૨૦૧૬માં ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ હેઠળ નવતર પહેલ શરૂ કરી હતી. જે હેઠળ ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે, નેશનલ સ્ટાર્ટઅપ-ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ-2022ના પરિણામોનું અનાવરણ કર્યું હતું.
ભારત આજે વિશ્વમાં 1.17 લાખ માન્ય સ્ટાર્ટઅપ અને 111 યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. દેશના રાજ્યોમાં પણ ઇનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા વડાપ્રધાને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા વર્ષ 2018થી રાજ્યો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરાવ્યું હતું.
આ ફ્રેમવર્ક અન્વયે તાજેતરમાં 2022ના વર્ષના રેન્કિંગ માટે DPIIT અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ 33 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોનું 25 એક્શન પોઇન્ટ્સ આધારિત 7 નિર્ણાયક સુધારાના ક્ષેત્રોમાં મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે.