ગાંધીનગરગુજરાત

૭મી જૂને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ભારતના ચાર શાસ્ત્રીય ગાયકોને એવૉર્ડ અર્પણ કરશે

ગાંધીનગર :

પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવૉર્ડ અર્પણ સમારોહ તા. ૭મી જૂન ને શુક્રવારે રાત્રે ૮.૦૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજીત આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્‌ હસ્તે ભારતીય શાસ્ત્રીય સંગીતના શિરમોર ગાયકોને પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવૉર્ડ અર્પણ કરાશે. ભારતના જાણીતા પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ આ પ્રસંગે ઉપસ્થિત રહીને વિશેષ પ્રસ્તુતિ કરશે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી પંકજભાઈ ભટ્ટ અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાન્ત જહાએ પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવૉર્ડ અર્પણ સમારોહની વિગતો આપતાં જણાવ્યું હતું કે, શાસ્ત્રીય સંગીતની સાધના અને સંવર્ધનમાં સમર્પિત કલાકારોને ગુજરાત સરકાર દ્વારા આ એવૉર્ડ એનાયત કરાય છે. વર્ષ ૨૦૧૪-૧૫નો પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવૉર્ડ પદ્મશ્રી પંડિત અજય ચક્રવર્તીંને એનાયત કરાશે, વર્ષ ર૦૧પ-૧૬નો એવૉર્ડ પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને, વર્ષ ર૦૧૬-૧૭નો એવૉર્ડ પદ્મશ્રી પંડિત ઉલ્હાસ એન. કાશલકરને અને પદ્મશ્રી શેખર સેનને વર્ષ ર૦૧૭-૧૮નો એવૉર્ડ અર્પણ કરાશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તારીખ ૭ જૂન ને શુક્રવારે યોજાનારા ભવ્ય સમારોહમાં એવૉર્ડ વિજેતા શાસ્ત્રીય ગાયકો પ્રસ્તુતિ પણ કરશે. ભારતના શિરમોર ગાયકો એક મંચ પરથી શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરતા હોય એવો ગાંધીનગર માટે આ પહેલો પ્રસંગ છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ ટી. પટેલ અને સચિવશ્રી આર.સી. મીના આ ઉપસ્થિત રહેશે.

ભારતના જાણીતા પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતોની વિશેષ પ્રસ્તુતિ કરશે.

એક મંચ પરથી ભારતના શ્રેષ્ઠ શાસ્ત્રીય ગાયકોને એકી સાથે સાંભળવાનો આ અમૂલ્ય અવસર છે. તમામ નાગરિકોને પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવૉર્ડ અર્પણ સમારોહમાં પધારવા જાહેર આમંત્રણ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x